અમદાવાદની ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શક્યતઃ વડોદરા ડાઈવર્ટ થશે

Wednesday 07th February 2018 09:46 EST
 
 

વડોદરા: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એર પોર્ટ પર આવતા મહિને રન-વે સમારકામ શરૂ થશે. જેથી વડોદરા એર પોર્ટ પર વધુ ફ્લાઈટની અવર જવર રહેશે. અમદાવાદ એર પોર્ટ ગુજરાતનું સૌથી વ્યસ્ત એર પોર્ટ છે અને રન-વેના સમારકામના દિવસોમાં ત્યાં ફ્લાઈટ લેન્ડ કરવામાં મુશ્કેલી ઊભી થશે એટલે અમદાવાદથી સૌથી નજીકનું એર પોર્ટ વડોદરા છે માટે મોટાભાગની ડોમેસ્ટિક ફ્લાઈટ અહીં ડાયવર્ટ કરાય તેવી શક્યતાઓ છે.
અમદાવાદ એર પોર્ટ પર રન-વેના સમારકામના એક વર્ષમાં જ ફરીથી બિસ્માર બનતા હવે ફેબ્રુઆરી ૧૫થી બે તબક્કામાં રન-વે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં તો ફ્લાઈટોને બહુ અસર નહીં થાય, પરંતુ શક્યતઃ પહેલી માર્ચથી ૧૫ એપ્રિલ દરમિયાન ૪૫ દિવસ ચાલનારી સમારકામ કામગીરી વખતે સવારે ૧૦થી સાંજના ૭ દરમિયાનના ૯ કલાક અમદાવાદ એર પોર્ટ પર ફ્લાઈટનું લેન્ડિંગ ટેક ઓફ થશે નહીં. આ કલાકો દરમિયાન અમદાવાદ એર પોર્ટ પર રોજ ૩૫ ફ્લાઈટ્સની અવરજવર છે.
રોજની ૩૫ ફ્લાઈટ પૈકીની મોટાભાગની ડોમેસ્ટિક ફ્લાઈટ્સ વડોદરા ડાયવર્ટ કરાશે જેથી માર્ચ ૧થી ૪૫ દિવસ સુધી વડોદરા એર પોર્ટ ધમધમતું થઈ જશે. આ અંગે વાત કરતાં વડોદરા એર પોર્ટના ડાયરેક્ટર ચરણ સિંહે કહ્યું હતું કે, અમદાવાદ-વડોદરા વચ્ચે બાય રોડ દોઢ કલાકનું જ અંતર છે. અમદાવાદથી સૌથી નજીકનું એર પોર્ટ વડોદરા હોવાથી એર ઓપરેટર્સ વડોદરા એર પોર્ટ પર પસંદગી ઉતારે તે સ્વાભાવિક છે. ૪૫ દિવસ સુધી અમદાવાદની ફ્લાઈટ અહીં ડાયવર્ટ થશે તો વડોદરાના મુસાફરોને પણ તેનો લાભ મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter