અમદાવાદ: અમદાવાદની પંદર વર્ષની દીકરી રાગ પટેલના અવાજમાં ગવાયેલા ગીતથી મેગા બ્લોક બસ્ટર ફિલ્મ RRRનો પ્રારંભ થાય છે. સમગ્ર શહેર અને રાગના પરિવાર માટે આ બાબત ગૌરવપૂર્ણ છે. વસ્ત્રાપુરની પ્રકાશ હાઈસ્કૂલમાં હાલ ધો-10માં અભ્યાસ કરતી રાગ આઠ વર્ષની ઉમરથી શાસ્ત્રીય સંગીતની તાલીમ લઈ રહી છે. તેનું આ કોઈ પણ ફિલ્મમાં પ્રથમ ગીત છે. રાગના પિતા રાજીવ પટેલ એક એફએમ રેડિયો સાથે જોડાયેલા છે, જ્યારે તેનાં માતા એક યોગ ઇન્સ્ટ્રક્ટર છે.
રાગ પટેલે RRR ફિલ્મમાં તેના અવાજમાં લેવાયેલાં ગીત વિશે જણાવ્યું કે, ‘મને મારા ડેડીના ફેસબુક પરથી ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં જાણ થઈ કે, RRRની ટીમ એક 12 વર્ષની છોકરીના અવાજની તલાશમાં છે. તેથી મેં એક રાગપુરિયા ધનશ્રીની બંદીશમાં ‘તેરે બિના જીના નહીં...’ તેમજ નિકાહ ફિલ્મનું ‘ફિઝાં ભી હે જવાં જવાં...’ ગીતો રેકોર્ડ કરીને મોકલ્યા હતા. હું આઠ વર્ષની ઉંમરથી શાસ્ત્રીય સંગીતની તાલીમ લઇ રહી છું અને હાલમાં વિશારદ પ્રથમની તાલીમ લઈ રહી છું. મને અપેક્ષા નહોતી કે, મારું સિલેક્શન થશે અને મારું ગીત ફિલ્મમાં લેવાશે.’
તેણે કહ્યું હતું કે અમને ઓગસ્ટમાં મેસેજ આવ્યો કે, એસ.એસ. રાજામૌલીની ટીમ દ્વારા તમારું સિલેક્શન થયું છે. પછી અમે 27 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં રેકોર્ડીંગ કર્યું. ત્યાં જઈને મને ખબર પડી કે મારું આ ફિલ્મમાં એક સોલો સોંગ છે. ફિલ્મ રિલીઝ થવાની હતી એના બે દિવસ પહેલાં અમને ફિલ્મના આસિ. ડાયરેક્ટર થકી જાણ થઈ કે, ફિલ્મમાં મારું આખું સોંગ લેવાયું છે.’
રાગે ગાયેલા ગીત અને તેને પડદા પર સાંભળવાના અનુભવ વિશે તેણે જણાવ્યું કે, ‘RRR હિન્દી ફિલ્મની શરૂઆત જ આ ગીત સાથે થાય છે. ‘અમ્બર સે થોડા સૂરજ...’ સોંગ મેં ગાયું હતું એ જ રીતે લેવાયું છે, તેમાં કોઈ ફેરફાર તો નથી જ સાથે જ એમાં કોઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ નથી. તેથી મેં જેવું ગાયું હતું તેવું જ સાંભળીને મને વધુ આનંદ થયો. કોઈ પણ મ્યુઝિક વિના પણ એ સારું લાગતું હતું એટલે મને મજા આવી.’


