અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગઃ ICU બળીને ખાખ, ૮ દર્દી ભુંજાયા

Thursday 13th August 2020 02:13 EDT
 
 

અમદાવાદઃ નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં છટ્ઠી ઓગસ્ટે રાત્રે ૩.૦૦ વાગે શોર્ટ સર્કિટથી ભીષણ આગ લાગી હતી. આ આગમાં કોરોનાના ૮ દર્દી ભુંજાઈ ગયાં હતાં. હોસ્પિટલના ચોથા માળે ICU વોર્ડ બળીને રાખ થઈ ગયો હતો. ICU વોર્ડ એરટાઈટ હતો તેથી ધુમાડો કે આગ વોર્ડમાંથી બહાર નીકળ્યા નહીં અને વોર્ડમાં દરેક બેડ પર ઓક્સિજન તેમજ સેનેટાઇઝરની બોટલ હતી. આગ લાગતાં જ એક બોટલ ફાટી અને ઓક્સિજનથી આગ ફેલાઇ હતી. વોર્ડના સાધનો પીવીસીના હોવાથી આગ તરત ફેલાઇ હતી. સૌથી પહેલાં આગે પડદાને ઝપટમાં લીધાં હતાં. આ ઉપરાંત આ વોર્ડના દરવાજે ફિંગરપ્રિન્ટ લોક હોવાથી કોઇ તુરંત વોર્ડમાં જઇ શક્યું નહીં અને દર્દીઓ દાઝીને ગુંગળાઇ મર્યાં. માત્ર ૧૦ મિનિટમાં આઇસીયુ વોર્ડ ખાખ થઈ ગયો હતો.
ફાયર વિભાગે જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં જ ૧૦ જ મિનિટમાં ફાયર વિભાગના ૩૫થી વધુ જવાન ત્યાં પહોંચી ગયા હતા. ધુમાડામાં કંઇ દેખાતું નહોતું તેથી કાચ તોડીને બ્લોઅર મૂકીને પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો અને આગ કાબૂમાં લીધી હતી.

૫૭ દર્દીઓને બચાવાયાં

આગ લાગતાં હોસ્પિટલનો સ્ટાફ જીવ બચાવીને ભાગ્યો હતો. બીજી તરફ ફાયર વિભાગના જવાનોએ કોરોનાના ૫૭ દર્દીને ઊંચકીને બહાર કાઢ્યા હતા. ફાયરના એક જવાને કહ્યું કે, એ સમયે કોરોનાના નહીં, માત્ર રેસ્ક્યૂના નિયમો યાદ હતા. જવાનો પીપીઈ કિટ પહેર્યા વગર જ ઉપર દોડી ગયા અને દર્દીઓને ઊંચકીને નીચે લાવીને એમ્બુલન્સમાં સારવાર માટે મોકલ્યા હતા. રેસ્ક્યૂમાં જોડાયેલા લગભગ ૪૦ જવાનો કોરોના પોઝિટિવ દર્દીઓનાં સંપર્કમાં આવ્યા હોવાથી તેમને તુરંત હોમ ક્વોરેન્ટાઈન કરાયા હતા.

વોર્ડ બોય ૨૧ ટકા દાઝ્યો

પીપીઇ કિટ પહેરીને કોરોના વોર્ડમાં ફરજ બજાવતો વાર્ડબોય ગૌરવ ચૌહાણ આગ લાગતાં જ દર્દીઓની મદદમાં લાગી ગયો હતો. ICUમાં આગ લાગ્યા પછી સૌથી પહેલાં વોર્ડમાં પહોંચનારા સ્ટાફના બેથી ત્રણ કર્મીમાં ગૌરવ પણ હતો. ગૌરવે પીપીઇ કિટ પહેરી હતી. કિટે તરત આગ પકડતાં તે બહાર દોડી ગયો. આ જોઇને અન્ય સ્ટાફ હેબતાઇ ગયો. તેમણે ગૌરવ પર પાણી રેડીને આગ ઠારી. તત્કાલ ગૌરવને એસવીપી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ૨૧ ટકા દાઝેલા ગૌરવનો એસવીપીમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ઘટનાથી દુઃખી છું: વડા પ્રધાન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આ ઘટનાથી દુઃખી છું, મૃતકો અને અસરગ્રસ્તોનાં પરિવારોને દિલાસો પાઠવું છું. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના. આ ઘટના અંગે મુખ્ય પ્રધાન રૂપાણી તથા અમદાવાદના મેયર બીજલ પટેલ સાથે વાત કરી છે. વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડમાંથી દરેક મૃતક માટે વળતરરૂપે એક્સગ્રેશિયા રૂ. ૨ લાખ સહાય આપવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.

ન્યાયિક પંચની રચના કરાઈ

હોસ્પિટલમાં આગની ઘટના પછી રાજ્ય સરકારે ન્યાયિક પંચની રચના કરી છે. હાઈ કોર્ટના નિવૃત્ત જજના અધ્યક્ષપદ હેઠળનું ન્યાયિક પંચ હવે તપાસ કરશે. શ્રેય હોસ્પિટલ કોંગ્રેસના નેતા વિજયદાસ મહંતના પુત્ર અને ભાજપના કાર્યકર ભરત મહંતની છે. આ ઘટના અંગે એફઆઈઆરનો મુદ્દો અભેરાઈએ ચડવાથી વિવાદ સર્જાયો તે પછી મુખ્ય પ્રધાન રૂપાણીએ બે સનદી અધિકારીઓને તપાસ સોંપી દીધી. તપાસ સમિતિએ સોમવારે મોડી રાત્રે પોતાનો અહેવાલ મુખ્ય પ્રધાનને આપ્યો હતો. રિપોર્ટમાં માનવીય કારણોસર આગ લાગ્યાનું જણાવાયું નહીં, પરંતુ તબીબી ઉપકરણમાં ક્ષતિથી કોરોનાના આઠ દર્દીઓએ જીવ ગુમાવ્યાનું તારણ નીકળ્યું. એ પછી ન્યાયિક તપાસની જાહેરાત કરાઈ છે. બીજી તરફ ફાયર એનઓસી મામલે આગ લાગે ત્યારે કૂવો ખોદવાની શરૂઆત થઈ છે.
એક રિપોર્ટ અનુસાર ફાયરબ્રિગેડે અમદાવાદની ૬૨ હોસ્પિટલ અને ૬૬ કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની તપાસ શરૂ કરાઇ છે. જોકે ૬૨માંથી ૩૭ હોસ્પિટલ પાસે ફાયર એનઓસી નથી. કેટલીક હોસ્પિટલની એનઓસી લોકડાઉનમાં પૂરી થઈ હતી. આ ઉપરાંત અમદાવાદની ૨૧૦૦ હોસ્પિટલમાંથી ૯૧ પાસે જ ફાયર એનઓસી છે. રાજ્યની ૧૧૫૫૪ હોસ્પિટલમાંથી ૯૬.૯૮ ટકા હોસ્પિટલ પાસે ફાયર એનઓસી નથી.

મૃતકોનાં નામ
• આરિફ મન્સૂરી (ઉ. ૪૨) • નવનીત શાહ (ઉ. ૮૦)
• લીલાબહેન શાહ (ઉ. ૭૨) • નરેન્દ્ર શાહ (ઉ. ૬૧) • અરવિંદ ભાવસાર (ઉ. ૭૮) • જ્યોતિ સિંધી (ઉ. ૫૫) • મનુભાઈ રામી (ઉ. ૮૨) • આયેશાબેહેન તિરમીઝી (ઉં. ૫૧)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter