અમદાવાદઃ મુંબઈના માટુંગા સ્ટેશન બાદ પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદના મણિનગર સ્ટેશન પર ૩૬ મહિલા કર્મચારીઓની નિમણૂક કરાઈ છે. મહિલા દિવસથી એટલે કે આઠમી માર્ચથી આ સ્ટેશન મહિલા કર્મચારીઓને હવાલે કરાયું છે. મણિનગર ગુજરાતનું પ્રથમ એવું સ્ટેશન બન્યુ છે જ્યાં તમામ કર્મચારીઓ મહિલા છે. રેલવેના કોમર્શિયલ વિભાગ દ્વારા મણિનગરના રિઝર્વેશન કાઉન્ટર, જનરટ ટિકિટ બારી તેમજ અન્ય ચેકિંગ સ્ટાફ મળીને કુલ ૨૩ મહિલાઓની નિમણૂક કરી છે. એવી જ રીતે ઓપરેટિંગ વિભાગ દ્વારા સ્ટેશન અધિક્ષક સહિત અન્ય સ્ટાફ મળી ૩ મહિલા તેમજ સુરક્ષા વિભાગ (આરપીએફ) દ્વારા ૧૦ મહિલાઓની નિમણૂક કરવામાં આવી છે. મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતા રેલવે દ્વારા મણિનગર સ્ટેશને કુલ ૩૬ મહિલાઓની નિમણૂક કરાઈ છે જે હાલ પ્રાયોગિક ધોરણે છે અને ૧૪ માર્ચ સુધી તેમની કામગીરીની સમિક્ષા કર્યા બાદ આ આદેશને કાયમી કરવામાં આવશે.
અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ દિનેશ કુમારે વધુ માહિતી આપતા જણાવ્યું કે, મહિલા પ્રવાસીઓને હમેશા સુવિધા આપવામાં રેલવે અગ્રેસર રહ્યું છે. મહિલાઓને પ્રાથમિકા આપતા પશ્ચિમ રેલવે દ્વારા ૮ માર્ચ વિશ્વ મહિલા દિવસથી મણિનગર સ્ટેશને તમામ મહિલા કર્મચારીઓની નિમણુંક કરી સ્ટેશનને મહિલા સ્ટેશન તરીકે સ્થાપિત કર્યું છે. આમ મણિનગર સ્ટેશન એ ગુજરાતનું પહેલું એવું સ્ટેશન બનશે જ્યાં કામ કરતી તમામ મહિલા કર્મચારીઓ હશે.


