અમદાવાદઃ આલ્ફાવન મોલનો સોદો ૨૮મી ડિસેમ્બરે સિંગાપુરની કંપની સાથે રૂ. ૭૫૦ કરોડમાં થયો હોવાના સમાચાર છે. આ કરારનું ૩ તબક્કામાં પેમેન્ટ થશે અને ટૂંક સમયમાં દસ્તાવેજની નોંધણીની શક્યતા છે એવી માહિતિ છે. છેલ્લા બે મહિનાથી ચાલતી આલ્ફાવન મોલ વેચવાની ચર્ચાનો આખરે અંત આવ્યો છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલો સૌથી મોટો મોલ એટલે કે, આલ્ફાવન મોલના વેચાણ વચ્ચે બે કંપનીઓ વચ્ચે ચાલતી ડીલ ફાઇનલ થઇ ગઈ છે જેમાં સિંગાપુરની ફાઇનાન્સિયલ કંપનીએ આલ્ફાવન મોલ રૂ. ૭૫૦ કરોડમાં ખરીદ કરશે જેમાં અગામી દિવસોમાં ત્રણ તબક્કામાં પેમેન્ટ થશે જેની સાથે દસ્તાવેજની નોંધણીની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવશે. જોકે, બંને કંપનીઓ તરફથી ડીલ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી નથી પણ આ ડીલ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં રૂ.૭૫૦ કરોડની જંગી રકમમાં કોઇ કોમર્શિયલ કે રેસિડેન્સિયલ મિલકત વેચાણ થશે તેવી પ્રથમ ડીલ હશે.

