અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ વધ્યા

Wednesday 05th August 2015 08:06 EDT
 

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જૂન માસમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યામાં ૧૭.૮ ટકાનો જ્યારે ડોમેસ્ટિક પ્રવાસીઓની સંખ્યામાં ૨૭.૮ ટકાનો વધારો નોંધાયો છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની માહિતી મુજબ અમદાવાદ એરપોર્ટ પરથી જૂન, ૨૦૧૪માં ૬૭૯ એરક્રાફ્ટ નોંધાયા હતા. આમ, ૧૭.૮ ટકાનો વધારો નોંધાયો હતો. તેવી રીતે ડોમેસ્ટિક વિમાનની બાબતમાં પણ જૂન, ૨૦૧૫માં
૨૮૫૨ વિમાનની સામે જૂન, ૨૦૧૪માં ૨૪૬૦ વિમાન નોંધાતાં તેમાં ૧૫.૯ ટકાનો વધારો નોંધાયો હતો.
એ જ રીતે ઇન્ટરનેશનલ મુસાફરોની સંખ્યા જૂન, ૨૦૧૫માં ૧,૧૪,૦૭૬ નોંધાઈ હતી જ્યારે જૂન, ૨૦૧૪માં ૯૬,૮૪૩ નોંધાતાં તેમાં ૧૭.૮ ટકાનો વધારો નોંધાયો હતો. જૂન, ૨૦૧૫માં ૩,૬૨,૨૮૯ પ્રવાસી નોંધાયા હતા તેની સામે જૂન, ૨૦૧૪માં ૨,૮૩,૫૭૮ પ્રવાસી નોંધાતાં તેમાં ૨૭.૮ ટકાનો વધારો થયો હતો. એરપોર્ટ પરથી કાર્ગો વિમાનની સંખ્યા પણ વધી છે. જેમાં જૂન ૨૦૧૫માં અમદાવાદથી ૨૦૭૩ ટન ઇન્ટરનેશનલ કાર્ગોનું પરિવહન થયું છે, જ્યારે જૂન, ૨૦૧૪માં ૧૪૦૫ ટન કાર્ગોનું પરિવહન થતા તેમાં ૪૭.૫ ટકાનો વધારો નોંધાયો છે.

યાકુબ માટે દયાની અરજ કરનારામાં આઠ ગુજરાતનાઃ મુંબઇમાં સિરીયલ બોમ્બ વિસ્ફોટ કરીને ૨૫૭ લોકોને મોતને ઘાટ ઉતારનાર મુખ્ય કાવતરાખોરો પૈકી એક યાકુબ મેમણના બચાવમાં ગુજરાતમાંથી આઠ જાણીતા લોકોએ યાકુબને ફાંસીની સજામાંથી બચાવવા માટે રાષ્ટ્રપતિને દયાની અરજી મોકલી હતી. ગુજરાતમાંથી સસ્પેન્ડેડ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ, ફાધર સેડ્રિક પ્રકાશ(પ્રશાંત), ફ્રાંસીસ પરમાર, ગગન શેઠી, ઘનશ્યામ શાહ(એકેડેમિશીયન), મનન ત્રિવેદી (સોશિયલ એક્ટિવિસ્ટ), વડોદરાના આર્ટિસ્ટ દંપતી ગુલામ મહંમદ શેખ અને નિલિમા શેખનો પણ સમાવેશ થાય છે.

સાબરમતીની સપાટી ૧૩૫ ફૂટ થતાં રિવરફ્રન્ટ ડૂબ્યોઃ ધરોઈ ડેમમાંથી પાણી છોડાતાં અમદાવાદની સાબરમતી નદી પરના રિવરફ્રન્ટની બંને બાજુ તરફ વોક વે પર પાણી ફરી વળ્યાં હતાં. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાં પાણીની સપાટી જાળવવા બે લાખ ક્યુસેક પાણી સાબરમતીમાં છોડાયું હતું, જેથી સાબરમતી નદીની સપાટી ૧૩૫ ફૂટ ઉપર પહોંચી ગઈ હતી જેથી શહેરના નીચાણવાળા ૧૮ સ્થળો અને ગ્રામ્ય વિસ્તારના ૩૧ ગામોના હજારો લોકોને અસર થઈ હતી.

વરસાદથી ખરીફ પાકને જીવતદાન મળ્યુંઃ ઘણો લાંબો સમય રાહ જોવડાવ્યા પછી ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ પણ રાહતરૂપ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડતાં ખરીફ પાકને જીવતદાન મળ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ખરીફ પાકનું ૬૪ ટકાથી વધુ વિસ્તારમાં વાવેતર થયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter