અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્પોરેશન હસ્તકની જાણીતી સી. એચ. નગરી આઇ હોસ્પિટલના તબીબોની ગંભીર બેદરકારીના કારણે આંખના ૧૫ દર્દીઓને અંધાપો આવી જતાં રાજ્યનો આરોગ્ય વિભાગ દોડતો થઇ ગયો છે. નગરી હોસ્પિટલમાં ૧૨ જાન્યુઆરીએ આંખના પડદાની તકલીફની ફરિયાદ સાથે ૧૫ દર્દીઓએ સારવાર લીધી હતી, જેમાં હોસ્પિટલ તબીબો દ્વારા દર્દીઓને અવાસ્ટીન ઇન્જેકશન આપવામાં આવ્યા હતા. બીજા દિવસે તમામ ૧૫ દર્દીઓએ દૃષ્ટિ ગુમાવ્યાની ફરિયાદો કરી હતી.
મોટા ભાગના દર્દીઓએ વેદના ઠાલવતાં કહ્યું હતુ કે, મંગળવારે તેઓ આંખની તકલીફને લીધે નગરી હોસ્પિટલમાં સારવાર મેળવીને ઘરે પહોંચ્યાં હતા જ્યાં તેમને આંખ ઉપર મારેલી પટ્ટી દુર કરીને આઇ ડ્રોપ નાંખવાની સુચના આપી હતી. જોકે સવારે જ્યારે પટ્ટી ખોલી ત્યારે મોટા ભાગના દર્દીઓને આંખે અંધાપો આવ્યો હતો, જેથી તાબડતોડ બધા દર્દીઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જોકે, નગરી હોસ્પિટલના તબીબોએ તેમને દાખલ કરીને સારવારની શરૂઆત કરી હતી.
આ મામલો બહાર આવ્યા બાદ મેયર સહિતના હોદ્દેદારો અને અધિકારીઓ નગરી હોસ્પિટલ દોડી આવ્યા હતા તેમણે સંપૂર્ણ મામલાની તપાસ કરવાની બાંહેધરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, નગરી હોસ્પિટલના અંધાપાકાંડમાં એક ૧૧ વર્ષીય આયુષ બાવર નામના બાળકનો સમાવેશ થાય છે જે મધ્ય પ્રદેશથી સારવાર માટે નગરી હોસ્પિટલ આવ્યો હતો.
૬૦ વર્ષીય દર્દી હીરાભાઇ પરમારે જણાવ્યું હતું કે, 'મંગળવારે આંખની તકલીફની સારવાર માટે ડોક્ટરોએ મને ઇન્જેકશન આપ્યું હતું. ઇન્જેકશન આપ્યા બાદ મારી આંખમાં સોજો આવી ગયો હતો. બાદમાં હું ઘરે જતો રહ્યો હતો, પણ સવારે મારી દૃષ્ટી જતી રહી હતી જેથી આજે હું નગરી હોસ્પિટલે પહોંચ્યો હતો જ્યાં મને દાખલ કરવામાં આવ્યો છે.'
એક પીડિત નારણપુરા ગામના દિનેશજી ઠાકોર નામના દર્દીએ જણાવ્યું હતું કે 'હું આંખની સારવાર માટે આવ્યો હતો, પણ મારી આંખના પડદામાં તકલીફ હોવાનું કહીને ઇન્જેકનશ આપ્યું હતું. આ સારવારના એક કલાક બાદ આંખ સુજી ગઇ હતી, જેથી હું તપાસ માટે આવ્યો હતો. હાલમાં મને જમણી આંખમાં દેખાતું જ નથી. આંખમાં સોજો ઓછો થયો નથી.'
નગરી હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો. તેજસબહેન દેસાઇને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે 'મંગળવારે ૧૫ દર્દીઓને આંખના પડદાની સારવાર આપવામાં આવી હતી, જેમાં આ દર્દીઓએ આંખમાં ઓછું દેખાવાની ફરિયાદ કરી હતી જેથી તમામ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તમામ દર્દીઓની સારવાર ચાલી રહી છે અને દૃષ્ટી ઓછી થવા પાછળના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.’
આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશને ડો. શશાંક પટેલ, ડો. બીના દેસાઈ અને ભરત ઘોડાદરાની પેનલ બનાવીને તપાસ સોંપી છે. જે પોતાનો રિપોર્ટ આપશે ત્યાર બાદ આગળના પગલાં ભરાશે.
તપાસ બાદ પગલાં: આરોગ્ય પ્રધાન
રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિનભાઇ પટેલે આ ઘટના સંદર્ભે જણાવ્યું હતું કે નગરી હોસ્પિટલમાં ૧૫ દર્દીઓએ દૃષ્ટિ ગુમાવ્યાની ફરિયાદ કરી છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરીને સમગ્ર ઘટના અંગે માહિતી મેળવવામાં આવી છે. આરોગ્ય વિભાગે ઇન્જેકશનના સેમ્પલ લઇને તપાસ અર્થે મોકલી આપ્યા છે. જો કોઇ તબીબની બેદરકારી હશે તો કડક કાર્યવાહી કરાશે.
અસરગ્રસ્ત દર્દીઓની યાદી
• શાંતિલાલ ભનાભાઇ પરમાર (ઘોડાસર-અમદાવાદ)
• ગૌરીશંકર શર્મા (કલાપીનગર-અમદાવાદ)
• દિનેશ ભિખાજી ઠાકોર (નારણપુરા ગામ-અમદાવાદ)
• નુરદ્દીન મુન્શી (જુહાપુરા-અમદાવાદ)
• કાન્તિભાઇ પટેલ (નરોડા-અમદાવાદ)
• મંગુબહેન મફતલાલ પટેલ (અમરાઇવાડી-અમદાવાદ)
• મચ્છાબહેન ગોપાલજી ચાવડા (ચાંદલોડિયા-અમદાવાદ)
• હંસાબહેન ભરતકુમાર પટેલ (ઇસનપુર-અમદાવાદ)
• દીપક નીમજી (હાટકેશ્વર-અમદાવાદ)
• અરવિંદભાઇ મોદી (ગાંધીનગર)
• રઝાકભાઇ એસ. મોદન (ભાવનગર)
• આયુષ રાકેશભાઇ બાવર (મધ્ય પ્રદેશ)


