અમદાવાદમાં નાઇટ લોકડાઉનઃ ૨૭ વિસ્તારોમાં રાત્રે ૧૦.૦૦ પછી તમામ એકમ બંધનો આદેશ

Tuesday 29th September 2020 06:22 EDT
 
 

અમદાવાદ: અમદાવાદ શહેરના પશ્ચિમના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સતત કોરોના કેસમાં વધારો નોંધાયો છે. તેમાં પણ પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કેસ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યા પણ સતત વધી રહી છે. આ સંજોગોમાં મ્યુનિ. તંત્ર દ્વારા શહેરના પશ્ચિમના ૨૭ વિસ્તારોમાં રાત્રે ૧૦.૦૦ વાગ્યા પછી માત્ર દવાની દુકાન સિવાય તમામ એકમો બંધ રાખવા માટે આદેશ અપાયો છે.
અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાએ તાજેતરમાં એવો અંદેશો આપ્યો હતો કે, શહેરના પ્રહલાદનગર ગાર્ડન, સિંધુભવન, રીંગરોડ, એસ. જી. હાઇવે સહિતના વિસ્તારમાં યુવાનો ટોળે વળે છે. માસ્ક પહેરતાં નથી અને કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરે છે. તેમની સામે કડક કાર્યવાહીનો નિર્દેશ તેમણે આપ્યો હતો. જોકે તે પછી પણ પરિસ્થિતિમાં સુધારો નહીં થતાં આખરે મહાપાલિકાએ ૨૭ વિસ્તારોમાં રાત્રે ૧૦.૦૦ વાગ્યા પછી આંશિક લોકડાઉનનો આદેશ આપ્યો છે. આ વિસ્તારોમાં તમામ એકમોને ત્યાં બંધ રાખવા આદેશ અપાયો છે અને આ આદેશનો અમલ પણ તત્કાલ (૨૮મીથી) કરાવાનો નિર્દેશ કરાયો હતો.
શા માટે અમદાવાદમાં આ નિર્ણય?
લોકડાઉન પછી તબક્કાવાર રીતે અનલોક શરૂ કરાયું હતું. ધીમે ધીમે સમગ્ર શહેરમાં પરિસ્થિતિ નોર્મલ થઈ રહી હોય તેવું જણાતું હતું. રેસ્ટોરાં પણ ૧૧.૦૦ વાગ્યા સુધી ખોલવાની છૂટ અપાઈ હતી. ખાણી-પીણીના જાણીતા ફૂડ જોઈન્ટ પણ મોડી રાત સુધી ધમધમવા માંડ્યા હતા, પરંતુ લોકો ત્યાં ભેગા થઈને કોરોનાનો ભય હોવા છતાં કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન કરતા નહોતા. યુવાનો ટોળે વળીને પોતાના વાહનો લઈ જે તે સ્થળે બેસતા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવાતું નહોતું તથા લોકો માસ્ક પણ પહેરતા નહોતા. આથી કોરોના માટે અમદાવાદના નિમાયેલા ખાસ અધિકારી ડો. રાજીવ ગુપ્તાએ આ આદેશ આપ્યો છે.
સુરતમાં કલમ ૧૪૪ લગાવાઈ
કોરોના વધતાં કેસ વચ્ચે તંત્ર સામે આંગળી ઉઠી રહી છે તો તંત્ર દ્વારા ફરિયાદ થઈ રહી છે કે સરકારી ગાઈડલાઈનનું પ્રજા દ્વારા પાલન થથું નથી.
આ બધા વચ્ચે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે પરિપત્ર જાહેર કરીને સુરતમાં કલમ ૧૪૪ એટલે કે ૪ કરતાં વધુ લોકોને જાહેરમાં ભેગા થવા પર પ્રતિબંધ લગાવ્યો હોવાના અહેવાલ ૨૯મીએ હતા. પરિપત્ર મુજબ, શહેરમાં સરઘસ કાઢવા કે ૪થી વધુ લોકોએ એકઠા થવા પર પ્રતિબંધ લગાવાયો છે. આ જાહેરનામાનો અમલ ૩૦ સપ્ટેમ્બરથી ૧૪ ઓક્ટોબર સુધી લાગુ પડશે. તેવું પણ જણાવાયું છે. સુરતમાં ૨૯મીના છેલ્લા ૨૪ કલાકમાં ૩૧૧ કોરોના કેસ નોંધાયા હતા.

કોરોના મહામારીને કારણે વાયબ્રન્ટ નવરાત્રી નહીં થાયઃ રૂપાણી

કોરોના મહામારીના કારણે ચાલુ વર્ષે ગુજરાતમાં વાયબ્રન્ટ નવરાત્રી નહીં થાય તેવી જાહેરાત ૨૬મી સપ્ટેમ્બરે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. રૂપાણીએ કહ્યું કે, દર વર્ષે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાનાર કાર્યક્રમ વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવને આ વર્ષે રદ કરાયો છે. અગાઉ રાજ્યના તમામ મોટા ગરબા આયોજકો ગરબા રમાડવાનો ઇનકાર કરી ચૂક્યા છે. જોકે, શેરી ગરબાને લઈને હજુ સુધી સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી, પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને નિશ્ચિત સંખ્યા સાથે સરકાર શેરીઓમાં ગરબાની મંજૂરી આપી શકે છે.
નાગરિકોની સલામતીની પ્રાથમિકતા
રૂપાણીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ૧૭થી ૨૫ ઓક્ટોબર દરમિયાન નવરાત્રી છે. વિશ્વવ્યાપી કોરોના મહામારીના કારણે અમારી સરકારે આ વર્ષે વાયબ્રન્ટ નવરાત્રી નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. કોરોનાના આ કાળમાં નાગરિકોની સલામતી સૌથી મોટી પ્રાથમિકતા છે. વિશાળ જનહિતમાં આ નિર્ણય લેવાયો છે.
નવરાત્રીની મંજૂરી નહીં આપવાના સંકેત
સરકારે ‘સાપ પણ ન મરે અને લાઠી પણ ન તૂટે’ તે રીતે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ રદ કરીને પ્રજાને સંકેત આપી દીધો છે કે, જાહેર કે ખાનગી પાર્ટીપ્લોટમાં યોજાતી નવરાત્રી કરવાની મંજૂરી પણ નહીં મળે. કેન્દ્ર સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનામાં જ જાહેર કરાયેલી ગાઈડલાઈનમાં સ્પષ્ટ લખ્યું હતું કે, ઉત્સવોની ઉજવણી પર પ્રતિબંધ. નવરાત્રી એક ઉત્સવ છે એટલે રાજય સરકારે આ માટે કોઇ અલગથી જાહેરાત કરવાની જરૂર નથી. તેવું ટોચના સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. બીજી બાજુ શેરી ગરબા માટે સરકારમાં પણ બે મત છે. કેટલાક પ્રધાનોનું કહેવું છે કે, શેરી ગરબામાં છૂટ આપવી જોઇએ. જોકે શેરી ગરબા પર નિયંત્રણ રહેશે કે કેમ? તે પ્રશ્ન હોવાથી શેરી ગરબા અંગેનો નિર્ણય હજી જાહેર કરાયો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter