અમદાવાદઃ મુખ્ય પ્રધાન શ્રીમતી આનંદીબહેન પટેલે ૧૭મી જાન્યુઆરીએ ઈન્ડેક્ષ-સી તથા કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ આયોજિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નેશનલ ક્રાફ્ટ ફેર ૨૦૧૬ને ખુલ્લો મૂક્યો હતો અને હાથશાળ હસ્તકલાના જીવંત નિદર્શન કરતા કારીગરોની મુલાકાત લઈ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ ક્રાફ્ટ ફેરમાં ૫૦૦થી વધુ હસ્તકલા કારીગરો તથા ભારતના ૧૩ રાજ્યના ૬૦ જેટલા હસ્તકલા કારીગરોના સ્ટેટ પેવેલિયન અને ક્રાફ્ટવિલેજ ઊભા કરાયા છે. આનંદીબહેને નેશનલ ક્રાફ્ટ ફેરના માટીકલા, હાથશાળ ભરતકલા જેવા અન્ય વિભાગોની મુલાકાત લઈ કારીગરો સાથે સંવાદ કરી જાત માહિતી મેળવી હતી. ઇન્ડેક્ષ-સી દ્વારા આયોજિત આ સેવામાં રાજ્યના ૩૩ જિલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકલા અને હાથશાળની કલાક્ષેત્રે કામ કરતા કારીગરોને સીધું જ માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પડાયું છે ત્યારે આ કરીગરોએ પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત મળતી સહાય અંગે મેળામાં વિવિધ બેંકોના સ્ટોલ પર જઈ બેંકોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી. આ મુલાકાત પ્રસંગે નાણા પ્રધાન શ્રી સૌરભભાઈ પટેલ, સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી તથા કમિશનરશ્રી કુટિર અને ગ્રામોદ્યોગ અવની વત્સલા વાસુદેવા ઉપસ્થિત રહ્યા હતા.


