અમદાવાદઃ શહેરમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈકમિશનની મિશન ઓફિસ શરૂ થઇ છે. ગુજરાતમાં સૌ પ્રથમ આ પ્રકારની ઓફિસ સત્તાવાર રીતે શરૂ થઈ છે અને તેમાં ડેપ્યુટી હાઈકમિશનર પદે જેફ વેઈને કાર્યભાર સંભાળ્યો છે. ગુજરાત સાથે યુ.કે.ના વધી રહેલા સંબંધોને કારણે યુ.કે. સરકારે ગુજરાતમાં આવી કચેરી શરૂ કરવાના પ્રયાસ કર્યા હતા. તેમાં ગુજરાત સરકાર દ્વારા યોજાયેલા ૨૦૧૩ના વાઈબ્રન્ટ ગુજરાતમાં ભાગીદાર દેશ તરીકે યુ.કે.એ ભાગ લીધો હતો. તે સમયે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનની સરકાર દૂતાવાસ કચેરી શરૂ કરવા ઇચ્છતી હોય તો તેને તમામ સગવડ આપવાની ખાતરી આપી હતી. આથી આ પ્રયત્નોને કારણે બ્રિટિશ સરકારે અમદાવાદમાં કચેરી શરૂ કરી છે. આ કચેરીમાં અમેરિકાના ગુજરાતી અખબારના અમદાવાદના પ્રતિનિધિ પત્રકાર દિગંત સોમપુરાની રાજકીય, આર્થિક અને કોમ્યુનિકેશન સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. અત્યારે આ કચેરી શહેરના સેટેલાઈટ રોડ ઉપર આવેલી મેરિયેટ હોટેલમાં હંગામી ધોરણે કાર્યરત છે.
• પાટીદારો માટે અલગ બેન્ક શરૂ કરવાની કવાયત શરૂઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દસ સ્મોલ બેન્કોને માઇક્રો ફાઇનાન્સના હેતુથી લાયસન્સ આપ્યા છે તો બીજી તરફ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી બેન્ક ડિપોઝીટ ઉપાડી ‘પટેલ મની પાવર’ સાબિત કરવા ઇચ્છતા પાટીદારોએ પોતાની આગવી બેન્ક બનાવવાની વ્યૂહરચના ઘડી હોવાની ચર્ચા છે. બીજી તરફ, આંદોલનના બીજા તબક્કામાં આર્થિક ક્ષેત્રે સરકારને મોટો ફટકો આપે તેવી સ્થિતિની નિર્માણ કરવાની યોજના છે, તેમાં પાટીદારોને પણ કોઇ આર્થિક નુકસાન ન થાય તેની તકેદારીના ભાગરૂપે ૮૪ ગામના પાટીદાર આગેવાનો ફક્ત પાટીદારોના લાભાર્થે નવી સહકારી બેન્ક શરૂ કરવાની વિચારે છે.
• સાહિત્ય પરિષદના પ્રમુખપદે ચંદ્રકાન્ત ટોપીવાળા ચૂંટાયાઃ ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૦૧૬-૧૭ના વર્ષ માટેના પ્રમુખ તરીકે ચંદ્રકાન્ત ટોપીવાળા ચૂંટાયા છે. પરિષદના ૩૩૧૦ પૈકી ૧૦૦૫ મતદારોનું મતદાન થયું હતું. તેમાંથી ટોપીવાળાને ૬૮૧ મત મળ્યા હતાં જ્યારે નાનુભાઈ નાયકને ૩૦૨ મત મળ્યાં હતાં. આમ પ્રમુખ તરીકે ટોપીવાળા ચૂંટાયા છે. કવિ અને વિવેચક એવા ચંદ્રકાન્ત ટોપીવાળાનો જન્મ ૭ ઓગસ્ટ ૧૯૨૬ના રોજ વડોદરામાં થયો છે. તેમને વર્ષ ૨૦૦૨નો રણજીતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. ૧૯૬૨માં તેમણે પ્રથમ કાવ્ય સંગ્રહ ‘મહેરામણ’ આપ્યો હતો.
• આસારામ-નારાયણ માટે કાર્યરત દંપતી ઝડપાયુંઃ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે આસારામ-નારાયણ સાઇ સામે નોંધાયેલા બળાત્કારના કેસના ફરિયાદીઓ અને સાક્ષીઓ પર હુમલા કરનારી ખુદ આ પિતા-પુત્રના ૧૭ સાધકોની જ બનેલી ખૂંખાર ગેંગનું પગેરું મેળવ્યું છે. આ ગેંગના સૂત્રધાર એવા દંપતીને બેંગલોરથી પકડીને ક્રાઇમ બ્રાંચે સોમવારે ગાંધીનગરની કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે વધુ તપાસ માટે આ સૂત્રધાર દંપતી કર્ણાટકના બસવરાજ ઉર્ફે વાસુ અવન્ના તલ્લોઇ તથા તેની પત્ની સેજલ મહેશ પ્રજાપતિના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સાક્ષીઓનાં રક્ષણ માટે અઠવાડિયા પહેલા જ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. ફરિયાદીઓ તથા સાક્ષીઓ પર હુમલા અને એક મહત્ત્વના સાક્ષી અમૃત્ત પ્રજાપતિનું હુમલામાં મૃત્યુ થયું તે પછી આ હુમલા કરનારી ગેંગને પકડવા અમદાવાદના ક્રાઇમ બ્રાંચના ડીસીપી દીપન ભદ્રનની દેખરેખ હેઠળ ચાર ટીમે નવ મહિના સુધી તપાસનો દોર ચલાવ્યો હતો.
• ગુજરાત ભાજપનું નવું માળખું રચાશેઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીનું નવું માળખું રચાશે તેવી પ્રબળ સંભાવના છે. પાટીદાર અનામત આંદોલનથી શરૂ થયેલું ગ્રહણ હવે પક્ષની આબરૂને ગળી જાય એવી સ્થિતિમાં આવી પહોંચ્યું છે. તો બીજી તરફ અનિર્ણાયક્તાને લીધે નવા સીમાંકનથી સ્થાનિક ચૂંટણીઓ યોજવાની આખી પ્રક્રિયા જ કાનૂની દાવપેચમાં ફસાઈ છે ત્યારે હવે ભાજપે વર્તમાન પ્રમુખ આર. સી. ફળદુના નેતૃત્વમાં કાર્યરત સંગઠન માળખાને જ વિખેરી નાંખીને તેના સ્થાને નવું માળખું રચી દેવાની ગતિ તેજ બનાવી છે.