અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેરના પૂર્વમાં આવેલા વસ્ત્રાલ ગામમાં મુખ્ય મેટ્રો સ્ટેશન ખાતે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું હતું. થલતેજ સુધીના ૨૧.૬ કિ.મી. સુધીના રૂટમાંથી હાલ વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક-ખોખરા સુધીના ૬.૫ કિ.મી.ના મેટ્રો રૂટનું કામ પૂર્ણ થયું હોવાથી નરેન્દ્ર મોદીએ એપેરલ પાર્ક સુધીની મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું હતું.
વડા પ્રધાન સાંજે પાંચ વાગ્યે મેટ્રો ટ્રેનની લીલી ઝંડી આપી શરૂ કરાવી હતી. ઉદઘાટન બાદ તેમણે નિરાંત ચાર રસ્તાના પ્રથમ સ્ટેશન સુધી મુસાફરી પણ માણી હતી.
વડા પ્રધાન સાથે રાજ્યપાલ ઓ. પી. કોહલી, મુખ્ય પ્રધાન વિજય રુપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ તથા ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને કેન્દ્રિય રાજ્યપ્રધાન હરદીપસિંહ પુરીએ પણ મેટ્રો ટ્રેનની મુસાફરી માણી હતી. આ મુસાફરી દરમિયાન વડા પ્રધાન સાથે મુકબધીર સ્કૂલના બાળકોએ પણ મુસાફરી કરી હતી.
મેટ્રો ટ્રેનના લોકાર્પણ સાથે વડા પ્રધાને મોટેરાથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો પ્રોજેક્ટનું ભૂમિપુજન તથા મેટ્રો પ્રોજેક્ટની તક્તિનું અનાવરણ કર્યું હતું તેમજ ઓટોમેટિવ ફેર કલેક્શન ગેટનું પણ ઉદઘાટન કર્યું હતું. મેટ્રોના ઉદઘાટન પ્રસંગે વડા પ્રધાને જાહેર સંબોધન કર્યું ન હતું.
અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડાવવા પ્રથમવાર ૨૦૦૫માં ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થયો હતો. આ પછી અનેક ચઢાવઉતાર જોયા બાદ આખરે મેટ્રો ટ્રેનનું સપનું સાકાર થયું છે. લોકાર્પણ બાદ બુધવારથી આ ટ્રેન આમ જનતા માટે ખુલ્લી મુકાઇ છે.
મેટ્રો ફેઝ-ટુઃ મોટેરાથી મહાત્મા મંદિર
મેટ્રો રેલના બીજા તબક્કાની કામગીરી માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને ૨૧ ફેબ્રુઆરીએ ડિઝાઇનની કામગીરી સોંપી દીધી છે. જુલાઈ ૨૦૧૯ સુધીમાં આ રૂટ પર એલિવેટેડ કોરીડોરની કામગીરી શરૂ થઇ જશે.
ફેઝ-ટુ અંતર્ગત આ રૂટ પર મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીના ૨૨.૮૪ કિલોમીટર લાંબા તેમજ ૫.૪૨ કિલોમીટર લાંબા જીએનએલયુથી ‘ગિફ્ટ’ સિટી સુધીના એલિવેટેડ કોરીડોર પર ૨૨ સ્ટેશન તૈયાર કરાશે. જેમાં મોટેરા સ્ટેડિયમ ઉપરાંત કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જૂના કોબા, કોબા ગામ, જીએનએલયુ, રાયસણ, રાંદેસણ, ધોળાકુવા સર્કલ, ઇન્ફોસિટી, સેક્ટર-૧, સેક્ટર-૧૦એ, સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર-૧૬, સેક્ટર-૨૪, મહાત્મા મંદિર પહોંચશે. આ રૂટ પર પીડીપીયુ અને ‘ગિફ્ટ’ સિટીને જોડાશે.
દેશનું એકમાત્ર શહેર
અમદાવાદ દેશનું એક માત્ર એવું શહેર બન્યું છે કે, જેની પાસે સિટી બસ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ), રેપિડ બસ ટ્રાન્સપોર્ટ (બીઆરટીએસ) તથા મેટ્રો રેલ (રેલ માસ ટ્રાન્ઝિટ) એમ ત્રણેય પ્રકારની પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધા ધરાવે છે. અર્બન વોઇસ નામના ટ્વિટર હેન્ડલ પરથી આ ટ્વીટ કરાયું હતું. બાદમાં નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે પણ તેને રિટ્વિટ કર્યું હતું.


