અમદાવાદઃ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું કાર્ય નિશ્ચિત સમયમાં આવતા ૪ વર્ષમાં પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા કરી પ્રોજેક્ટના બીજા તબક્કાના કામનું અમદાવાદ એપીએમસી નજીક રવિવારે ભૂમિપૂજન સંપન્ન કર્યું હતું.
એમણે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ગુજરાતના આવા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને અવરોધવામાં અગાઉની કેન્દ્ર સરકારે કોઈ કસર છોડી ન હતી, ત્યારે વડા પ્રધાનના નરેન્દ્રભાઈના પ્રયાસોથી મેટ્રો પ્રોજેક્ટ માટે જાપાન સરકારની એજન્સી જાઈકાની રૂ. ૧૦,૪૭૧ કરોડની લોન મળી છે, જે આ પ્રોજેક્ટમાં નવી ગતિ ઝડપ લાવશે.
મેટ્રોરેલ પ્રોજેક્ટ ચારે દિશાએ ઝડપથી વિસ્તરતા જતા મેગાસિટી અમદાવાદની સિકલ બદલી નાખશે. તેમ જણાવી આનંદીબહેને સુરત સહિત અન્ય શહેરોમાં પણ બીઆરટીએસ પ્રોજેક્ટ શરૂ કરવા સરકારે વિચારણા હાથ ધરી હોવાનો નિર્દેશ આપ્યો હતો.
મેટ્રો રેલ પ્રોજેક્ટ હાથ ધરી રહેલી મેટ્રો એક્સપ્રેસ લિંક ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ મેગા કંપનીના એમડી આઈ. પી. ગૌતમે જણાવ્યું હતું કે, રવિવારે ખાતમૂહુર્ત કરાયેલો બીજો તબક્કો ૧૯ કિલોમીટરનો છે, જેમાં એ.પી.એમ.સી.થી મોટેરા સુધીનો વિસ્તાર સમાવિષ્ટ છે, જે કાર્ય આવતા ૩ વર્ષમાં પૂરું થઈ જશે.


