ગાંધીનગરઃ ૬ મહાપાલિકાની ચૂંટણી બાદ વડોદરા સિવાય પાંચેય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમથ અઢી વર્ષની ટર્મ માટે મેયરનું પદ અનામત રહેશે. શહેરી વિકાસ વિભાગના સંયુક્ત સચિવ આનંદ ઝિંઝાલાની સહીથી ૧૦મી ફેબ્રુઆરીએ સાંજે પ્રસિદ્ધ રિઝર્વેશનના રોટેશન શિડયુલ મુજબ અમદાવાદ કોર્પોરેશનમાં પ્રથમ ટર્મ શિડયુલ કાસ્ટ - SC સભ્ય માટે અનામત રહેશે. વીતેલા બે દાયકામાં પહેલી વખત અમદાવાદ શહેરમાં મેયરપદ SC કોર્પોરેટરને ફાળે જશે. જોકે, જ્યારે સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેર રાજકોટમાં પણ મેયરની પહેલી ટર્મ બેકવર્ડ ક્લાસ- OBC માટે અનામત રાખવામાં આવી છે. તદ્ઉપરાંત સુરત, ભાવનગર અને જામનગરમાં મેયર તરીકે પ્રથમ અઢી વર્ષ મહાપાલિકાનું સંચાલન કરવાની તક મહિલા (કોઈ પણ વર્ગના) સભ્યને મળશે.
ગુજરાતમાં કુલ આઠ મ્યુ. કોર્પોરેશન છે. જેમાંથી જૂનાગઢમાં હાલમાં OBC સભ્ય મેયર પદે છે, જ્યારે ગાંધીનગરમાં મહિલા મેયર છે. આ સ્થિતિમાં ચૂંટણી બાદ માત્ર વડોદરામાં જ મેયર માટે અઢી વર્ષની પહેલી ટર્મ સામાન્ય (અનામત નથી તેવી ) રહેવા પામી છે.
અમદાવાદમાં ૨૦ SC અનામત બેઠકો
અમદાવાદમાં ૧૯૨ પૈકી બંધારણની જોગવાઈ મુજબ શિડયુલ કાસ્ટ- SC માટે ૨૦ બેઠકો અનામત છે. જોકે, સ્થાનિક મતદારોની ગણતરી આગળ ધરીને પહેલીવાર ભાજપે અનામત બેઠકો સિવાય ૧૦ જેટલી સામાન્ય બેઠકો ઉપર પણ ઉમેદવારો ઉતાર્યા છે. એટલું જ નહીં, કોંગ્રેસે તેથી આગળ વધીને ૧૫ સામાન્ય બેઠકો ઉપર SC કાર્યકરોને ટિકિટ આપી છે.

