અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઈઝરાયલની ત્રિદિવસીય મુલાકાત લીધી હતી. મોદીએ તેલઅવીવના કન્વેન્શન સેન્ટરમાં ભારતીય કમ્યુનિટીને સંબોધન કર્યું હતું. મોદીએ આ સંબોધનમાં ઇઝરાયલિયનોના ભારતમાં વસવાટ વિશે વાતો કરતાં કહ્યું હતું કે, ઇઝરાયેલીઓએ ભારતમાં સ્થાયી થઈને પોતાનો વિકાસ પણ કર્યો છે અને ભારતના વિકાસમાં પણ તેમનો વિશેષ ફાળો જોવા મળે છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, અમદાવાદમાં આવેલા મણિનગરની બેસ્ટ હાઈસ્કૂલ. આ સ્કૂલના સ્થાપક પરિવારમાંથી એક પ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ ડો. લાયેલ બેસ્ટ હાલમાં ઇઝરાયલમાં મેડિકલ ક્ષેત્રે યોગદાન પણ આપી રહ્યા છે. મોદીના આ સંબોધન સમયે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ પણ હાજર હતા. ઇઝરાયલમાં કોઈ ભારતીય નેતાની આવી પ્રથમ ઈવેન્ટ હતી. ઉલ્લેખનીય છે કે મોદી અને ડો. લાયેલ બેસ્ટની મુલાકાત દરમિયાન ગુજરાતીમાં લાંબી વાતચીત પણ થઈ હતી.
જે બેસ્ટ સ્કૂલની મોદીએ વાત કરી તેની બેસ્ટ એજ્યુકેશન સોસાયટી ટ્રસ્ટ દ્વારા વર્ષ ૧૯૫૮માં સ્થાપના કરવામાં આવી હતી. જીવનના ૭૫ વર્ષ વટાવી ચૂકેલા આ હાઇસ્કૂલના સ્થાપક મિ. આર. એમ. બેસ્ટ અને તેમના પત્ની મિસિસ ક્યુ. આર. બેસ્ટ હજુ પણ આ સ્કૂલના સંચાલનમાં સક્રિય છે. આર. એમ. બેસ્ટના બે જોડિયા પુત્રોમાંથી મિ. શેર્લોસ બેસ્ટ હાલમાં બેસ્ટ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ છે અને એમિયલ બેસ્ટ શાળાનું મેનેજમેન્ટ અને ફાઈનાન્સ સંભાળે છે. મિસિસ એસ્થર એમિયલ બેસ્ટ પ્રાઈમરી શાળાના પ્રિન્સિપાલ છે અને નીલી શેર્લોસ બેસ્ટ શાળાના સંચાલનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
મોદીની હાઈફામાં ડો. બેસ્ટ સાથેની મુલાકાત પછી ગુજરાત સમાચારે મણિનગરમાં રહેતા તેમના આ બેસ્ટ પરિવાર સાથે વાતચીત કરી હતી અને આ મૂળ ઇઝરાયલી પરિવારે ગુજરાતમાં વસીને કેવી રીતે પ્રગતિ કરી હતી તે જાણ્યું હતું. શેર્લોસ બેસ્ટ કહે છે કે, મારા દાદાના વખતથી આશરે વર્ષ ૧૯૩૮થી અમે મણિનગરમાં વસ્યા છીએ. તે વખતથી અમારો સંયુક્ત પરિવાર રહ્યો છે. ડો. લાયેલ બેસ્ટે મેડિકલ શિક્ષણ પણ અહીં જ લીધું હતું. તેમના પિતા ઇ. એમ. બેસ્ટ બી. જે. મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના ડીન અને મેડિકલ હેલ્થ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર તરીકે સેવા આપતા હતા. પોતાની આગવી ઓળખ ઉભી કરવા વર્ષો પહેલાં ડો. લાયેલ બેસ્ટ ઇઝરાયલ જઈને વસ્યા હતા. આજે તેઓ ઇઝરાયલના પ્રખ્યાત કાર્ડિઓથોરેક સર્જન છે અને ત્યાંની હાઈફા શહેરની જાણીતી રેમ્બામ હોસ્પિટલના ડિરેક્ટર છે. એમિયલ બેસ્ટ કહે છે કે, અમારો પરિવાર સંપથી એક છત નીચે રહેવા સાથે જાતમહેનતથી પોતાની રીતે જ પ્રગતિ કરવામાં પેઢીઓથી માને છે તેથી જ અમારા માતા પિતા મિ. આર એમ બેસ્ટ અને મિસિસ બેસ્ટે શાળાની સ્થાપના કરી હતી. આ ઉપરાંત બેસ્ટ સાઉન્ડ નામે પણ અમારો બિઝનેસ સરસ રીતે ચાલી રહ્યો છે.
અમે ગુજરાતી જ્યુઈશ
ગુજરાતમાં વસવા બાબતે એમિયલ બેસ્ટ કહે છે કે, અમે તો પોતાની જાતને ગુજરાતી જ્યુઈશ જ કહીએ છીએ અને અહીં વસવાટ બદલ અમને ગર્વ છે. બસ, અમે જ્યાં પણ જે પણ કરીએ એ બેસ્ટ હોવું જોઈએ. સ્કૂલ વિશે વાત કરતાં શેર્લોસ કહે છે કે, ૫૦ જેટલા ક્લાસરૂમ ધરાવતી અમારી સ્કૂલમાં ૧૫૦ જેટલા ટીચર્સ છે અને ૩૨ જેટલાં કોર્સ શાળામાં ચાલે છે. એમિયલ કહે છે કે, તમને જાણીને નવાઈ લાગશે કે અમારી શાળાના દરેક ક્લાસમાં કમ્યુટર સ્ક્રીન આધારિત શિક્ષણ અપાય છે.
ગુજરાતીમાં વાતચીત
મોદીની ડો. બેસ્ટ સાથેની મુલાકાત માટે પરિવાર કહે છે કે, મોદી અને ડો. બેસ્ટની મુલાકાતના દૃશ્યો અમે જ્યારે જોયાં ત્યારે મોદીના હાવભાવ પરથી જાણે લાગ્યું હતું કે, વિદેશમાં તેમને કોઈ પોતાનું મળી ગયું છે. જેમને અને જેમના પરિવારને વર્ષોથી તેઓ ઓળખે છે. મોદી પોતે પણ એક સમયે મણિનગરમાં જ વસતા હતા તેથી ખાસ કરીને મણિનગરમાં વસી ચૂકેલા ડો. બેસ્ટ તેમને વિદેશમાં મળ્યા એની ખુશી તેમના ચહેરા પર વધુ દેખાતી હતી. શેર્લોસ કહે છે કે, ડો. બેસ્ટે હાઈફામાં મોદીને કોફી માટે આમંત્રણ પણ આપ્યું હતું. એમિયલ કહે છે કે, મોદી આશરે નવેક વર્ષ પહેલાં આમ તો એક ફંક્શનમાં ડો. બેસ્ટને અહીં અમદાવાદમાં જ મળ્યા હતા, પણ ઇઝરાયલમાં ડો. બેસ્ટ સાથે ગુજરાતીમાં વાત કરવા મળી એની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. તેમણે ડો. બેસ્ટ સાથે ગુજરાતીમાં બહુ લાંબી વાત કરી હતી.


