અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં મધરાત્રે આગઃ આઠ કોરોનાપીડિત દર્દીઓના મૃત્યુ

Thursday 06th August 2020 04:52 EDT
 
 

અમદાવાદઃ શહેરના હાર્દસમાન નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં બુધવારે મધરાત્રે ઇન્ટેસિવ કેર યુનિટ (આઇસીયુ)માં ફાટી નીકળેલી આગમાં ૮ દર્દીઓનાં મૃત્યુ થયાં છે. મૃતકોમાં પાંચ પુરુષ દર્દીઓ અને ત્રણ મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે. આ તમામ લોકો કોરોના પીડિત હતા, જેમને સારવાર માટે અહીં દાખલ કરાયા હતા. આગ શોર્ટસર્કીટના કારણે લાગ્યાનું પ્રાથમિક તારણ છે. જોકે સાચું કારણ તો ફોરેન્સિક તપાસ પછી જ બહાર આવશે. આગ એટલી તો વિકરાળ હતી કે થોડીક મિનિટોમાં સમગ્ર યુનિટ કાટમાળમાં ફેરવાઇ ગયું હતું. પોલીસે આ ઘટના અંગે હોસ્પિટલના ડિરેક્ટર ભરત મહંતની અટકાયત કરીને વિશેષ તપાસ હાથ ધરી છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ કમનસીબ દુર્ઘટના અંગે રાજ્યના બે વરિષ્ઠ અધિકારીઓની કમિટીને તપાસ સોંપીને ત્રણ દિવસમાં અહેવાલ આપવા જણાવ્યું છે. સાથોસાથ મૃતકો માટે રૂ. ૪-૪ લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. ૫૦ હજારની આર્થિક સહાય જાહેર કરી છે. આ ઘટના સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને મૃતક દર્દીઓના પરિવારો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી હતી.

રાત્રે ત્રણ વાગે પીપીઈ કિટમાં સ્ટાફ કામ કરી રહ્યો એ સમયે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી. ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલના છેલ્લા માળે આઈસીયુ વોર્ડ આવેલો છે અને ત્યાં આગની ઘટના બની છે. મોડી રાત્રે આ આગને કાબૂમાં લેવા એક ફાયર ફાઇટર અને ત્રણ ટેન્કર કામે લાગ્યા હતા. અમદાવાદના સેક્ટર-એકના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ રાજેન્દ્ર અસારીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે તમામ તથ્યો અમે તપાસમાં આવરી લઈશું અને એના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીશું.
હાલ તો હોસ્પિટલના તમામ ૪૦ દર્દીઓને એસવીપી હોસ્પિટલમાં ખસેડી દઇને સમગ્ર બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવ્યું છે. આગની ઘટનાને પગલે લોકોએ હોસ્પિટલ સંચાલકો સામે બેદરકારીનો પણ આરોપ મૂક્યો છે. ભરત મહંતે લોકલ મીડિયા સાથેની વાતચીત દરમિયાન દાવો કર્યો હતો કે ફેબ્રુઆરીમાં ફાયર સેફ્ટીનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારે આ ઘટનાનો ભોગ બનેલા દર્દીઓના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. મુખ્ય મંત્રી રાહતનીધિમાંથી મૃતકોના પરિવારજનોને આ આર્થિક રાહત આપવામાં આવશે, આ સાથે જ ઈજાગ્રસ્તોને પણ ૫૦ હજાર રૂપિયાની આર્થિક સહાય કરવાની જાહેરાત કરાઈ છે.

ભોગ બનેલા દર્દીઓ

વિકરાળ આગનો બનેલા આઠ દર્દીઓમાં શહેરના જાણીતા વકીલ સોહેલ તિરમીઝીના પત્ની આયેશાબહેન (૫૧)નો પણ સમાવેશ થાય છે. જ્યારે અન્ય દર્દીઓના નામ આ પ્રમાણે છેઃ આરિફ મન્સૂરી (૪૨), નવનીતભાઇ શાહ (૮૦), લીલાબેન શાહ (૭૨), નરેન્દ્રભાઇ શાહ (૬૧), અરવિંદભાઇ ભાવસાર (૭૮), જ્યોતિબહેન સિંધી (૫૫) અને મનુભાઈ રામી (૮૨).

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા શ્રેય હોસ્પિટલે પહોંચ્યા હતા અને આ ઘટના અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે માગણી કરી હતી કે શ્રેય હોસ્પિટલને કોવિડ-૧૯ હોસ્પિટલની મંજૂરી આપનારા અધિકારીઓ સામે પગલાં લેવા જોઇએ. તેમણે અમદાવાદ ઘટના સંદર્ભે સવાલ ઉઠાવતાં કહ્યું, ‘જે લોકોએ હોસ્પિટલને બિલ્ડિંગ, ફાયર-સેફ્ટી, ઇલેક્ટ્રિક-સેફ્ટીના સર્ટિફિકેટ આપ્યા હોય એ અધિકારીઓની ચકાસણી કરવાની જવાબદારી હતી. આ ગંભીર નિષ્કાળજીનો મામલો છે.’

ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરતાં લખ્યું, ‘અમદાવાદની હોસ્પિટલમાં આગની શોકાન્તિક દુર્ઘટનામાં લોકોએ જીવ ગુમાવ્યા, એનાથી હું વેદના અનુભવું છું. અસરગ્રસ્તો માટે મારી સાંત્વના. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter