અમદાવાદમાં સૌપ્રથમ ‘શાશ્વત ગાંધી’ આઉટલેટનો આરંભ

અચ્યુત સંઘવી Wednesday 12th October 2016 07:39 EDT
 
 

અમદાવાદઃ આદિત્ય બિરલા સેન્ટર ફોર કમ્યુનિટી ઈનિશિયેટિવ્ઝ એન્ડ રૂરલ ડેવલપમેન્ટના ચેરપર્સન શ્રીમતી રાજશ્રી બિરલા મહાત્મા ગાંધીના જન્મદિન બીજી ઓક્ટોબરે વિશિષ્ટ ‘ઈટર્નલ ગાંધી’ આઉટલેટનું ઉદ્ઘાટન કરવા અમદાવાદના આંગણે અતિથિ બન્યાં હતાં. મહાત્મા ગાંધીની યાદગીરી સ્વરુપે ૫૦૦થી વધુ વૈવિધ્યસભર અને વિશ્વસ્તરીય પ્રોડક્ટસ નગરજનોને ઉપલબ્ધ કરાવવા ‘ઈટર્નલ ગાંધી’ અથવા ‘શાશ્વત ગાંધી’ આઉટલેટનો આરંભ કરાયો છે. ભારતના શહેરોમાં આવા વિશિષ્ટ સ્ટોર્સ શરૂ કરવાની પહેલ આદિત્ય બિરલા ગ્રૂપના સહયોગથી ટ્રાઈડન્ટ ગ્રૂપના જતિનભાઈ પારેખ દ્વારા કરવામાં આવી છે. શ્રીમતી બિરલાએ બર્મિંગહામમાં ‘ગાંધી પીસ સેન્ટર’નું નિર્માણ થઈ રહ્યું હોવાની પણ માહિતી આપી હતી.
‘શાશ્વત ગાંધી’ આઉટલેટનું ઉદ્ઘાટન કર્યાં પછી શ્રીમતી બિરલાએ મહાત્મા ગાંધી અને બિરલા પરિવારના વિશેષ સંબંધને યાદ કરતાં કહ્યું કે,‘હું બાળપણથી જ અને આજે પણ ગાંધીવિચારો અને તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’થી પ્રેરિત છું. વિશ્વને સત્ય અને અહિંસાનો માર્ગ દર્શાવનાર મહાત્મા ગાંધીને યુવા પેઢીને જોડવા ઈચ્છું છું.’ તેમણે કહ્યું હતું કે ‘ગાંધીજીએ પરિવારને નહિ પરંતુ દેશને વધુ મહત્ત્વ આપ્યું હતું. અમે દિલ્હીના બિરલા હાઉસમાં ગાંધીજી સંબંધિત ‘ધ ઈટર્નલ ગાંધી મલ્ટિમીડિયા મ્યુઝિયમ’માં તેમની સાથે સંકળાયેલી તમામ ચીજવસ્તુઓ સંગ્રહિત કરી છે. લોકોને રસ જાગે અને ગાંધીજી સાથે તેમનું સંધાન થાય તે માટે ગાંધીજીની જીવનયાત્રાની સમજ ઓડિયો, વિડિયો તથા અન્ય વીજાણુ ઉપકરણો દ્વારા આપવામાં આવે છે. અમારો આગામી પ્રયાસ મોબાઈલ એપ્લિકેશનમાં પણ લોકોને ગાંધીસાહિત્ય મળી રહે તેમ કરવાનો રહેશે.’ શ્રીમતી બિરલાએ ઉમેર્યું હતું કે,‘ મહાત્મા ગાંધીના વિચારોને ઘેર-ઘેર પહોંચાડવાના ઉદ્દેશ્યથી યુકેના બર્મિંગહામમાં ‘ગાંધી પીસ સેન્ટર’નું નિર્માણ કરાઈ રહ્યું છે, જે પાંચ મહિના પછી કાર્યરત થશે. આ પ્રકારનું ‘ગાંધી પીસ સેન્ટર’ યુએસના હ્યુસ્ટનમાં પણ તૈયાર કરાશે.’
અગાઉ, બિરલા ગ્રૂપમાં ૫૪ વર્ષથી કાર્યરત અને ‘શાશ્વત ગાંધી’ વિચારના પ્રણેતા ભરતભાઈ પારેખે જણાવ્યું હતું કે ગાંધીજીના અંતિમ દિવસો દિલ્હીના બિરલા હાઉસમાં જ વીત્યા હતા. પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ બિરલા હાઉસમાં ગાંધીજીનો ઈતિહાસ સચવાઈ રહે તેવું સૂચન કર્યા પછી ૨૦૧૪માં તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહના હસ્તે મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરાયું હતું. મ્યુઝિયમની સ્થાપના પછી મહિને ૪૦-૫૦ હજાર લોકો તેની મુલાકાતે આવે છે. આ મ્યુઝિયમમાં ગાંધીજીને સંબંધિત ૫૦૦ વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે.
આ મ્યુઝિયમમાં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા પછી ભારતયાત્રા કરી દેશના આત્માને ઓળખવાનો પ્રયાસ કર્યો તેની ઝાંખી દર્શાવતી ઈ-ટ્રેઈન, ગાંધીજીના પ્રખ્યાત અવતરણોને દર્શાવતો ‘ફાઉન્ટેન ઓફ બ્રેથ’, દેશવાસીઓ પર પ્રચંડ અસર કરનારા મીઠાના સત્યાગ્રહની પ્રખ્યાત દાંડી કૂચનું મહત્ત્વ દર્શાવતા વિભાગમાં તમે એક કળશમાં રાખેલા મીઠાની ચપટી પણ લઈ શકો છો, ગાંધીજીના જેલવાસના પ્રતીકો, અસ્પૃશ્યતા નિવારણનો સંદેશ આપતો સ્તંભ, ગાંધીને અતિ પ્રિય ‘રઘુપતિ રાઘવ’ની ધૂનનું દર્શન કરાવતું સંગીત ઉપકરણ ઝાયલોફોન, ગાંધીજીએ સ્થાપેલા દક્ષિણ આફ્રિકાના ટોલસ્ટોય ફાર્મ, કોચરબના સાબરમતી આશ્રમ અને વર્ધા સેવાગ્રામ આશ્રમોની ઝાંખી, વિશ્વના લોકપ્રિય અને સન્માનીય નેતા-મહાપુરુષોના અવાજમાં ગાંધીજીના પ્રદાનનું મહત્ત્વ સમજાવતી પૂતળીઓ સહિત સ્મારકોનો સમાવેશ કરાયો છે.
ટ્રાઈડન્ટ ગ્રૂપના એમડી જતિનભાઈ પારેખને મુંબઈ એરપોર્ટ પર ભરતભાઈ પારેખ સાથે મુલાકાત પછી અમદાવાદમાં ‘શાશ્વત ગાંધી’ આઉટલેટની સ્થાપના કરવાનો વિચાર આવ્યો હતો. જતિનભાઈએ આ વિશે જણાવ્યું હતું કે,‘વર્તમાનમાં લોકો માટે ભેટ આપવા એટલે કે ગિફ્ટિંગનું મહત્ત્વ વધ્યું છે. જો ભેટ આપતા હોઈએ તો ગાંધીવિચાર કે વસ્તુઓની શા માટે નહિ તે વિચાર સાથે આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. અત્યારે ‘શાશ્વત ગાંધી’ આઉટલેટમાં ગાંધીજીના અવતરણો સાથેની ડાયરીઓ, ઘડિયાળ, પર્સ-વોલેટ, ગાંધીપ્રતિમા, પેનસ્ટેન્ડ અને ખાદીવસ્ત્ર સહિત ૨૦૦ પ્રોડક્ટ મળી શકે છે, જે સમય જતાં વધારાશે. અત્યારે ભારતમાં ૧૫ સ્ટોર છે પણ ગુજરાતમાં આ પ્રથમ સ્ટોર છે. ભારતભરમાં ૫,૦૦૦ સ્ટોર સ્થાપવાનું લક્ષ્યાંક છે.’
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન, રાજઘાટ અને ગાંધી સ્મૃતિભવન, અમદાવાદમાં સાબરમતી આશ્રમ, જલગાંવમાં ગાંધી રીસર્ચ ફાઉન્ડેશન, વર્ધામાં મંગલદીપ સાહિત્ય ભંડાર, મુંબઈમાં મણિભવન, પૂનામાં આદિત્ય વિક્રમ બિરલા મેમોરિયલ હોસ્પિટલ અને ગાંધી નેશનલ મેમોરિયલ તથા દેશની અન્ય સંસ્થાઓ અને વિદેશમાં પણ ગાંધીજી સંબંધિત ચીજવસ્તુઓનાં વેચાણને બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter