અમદાવાદમાં ૫૪,૫૨૨ લોકોએ યોગ કરી વિશ્વવિક્રમ સર્જ્યો

Friday 23rd June 2017 05:04 EDT
 
 

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ભાગરૂપે શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ પર યોગગુરુ બાબા રામદેવે એકસાથે ૫૪,૫૨૨ લોકોને યોગ કરાવીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો. આ વિક્રમની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ લેવાઈ છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસની ટીમ દ્વારા મુખ્ય પ્રધાનને પ્રમાણપત્ર એનાયત કરાયું હતું. આ દિવસે બાબા રામદેવના માર્ગદર્શનમાં અન્ય ૨૨ વર્લ્ડ રેકર્ડ બન્યા છે. આ અગાઉ ૨૦૧૫ના રોજ ૨૧ જૂનના રોજ નવી દિલ્હીમાં ૩૫,૯૮૫ લોકો દ્વારા એક સાથે એક જ સ્થળે યોગ કરવાનો વિશ્વ વિક્રમ નોંધાયો હતો.
૨૧ જૂને વહેલી સવારે પાંચથી સાત વાગ્યા દરમિયાન આયોજિત બાબા રામદેવના યોગાભ્યાસમાં ગવર્નર ઓ. પી. કોહલી, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત પ્રધાન મંડળના તમામ સભ્યો, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ભાગવતાચાર્ય ‘ભાઇશ્રી’ રમેશભાઇ ઓઝાએ પણ ભાગ લીધો હતો.
આ જ રીતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના લખનઉમાં રમાબાઇ આંબેડકર મેદાનમાં આયોજિત યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાજધાની દિલ્હી સહિત તમામ રાજ્યોના પાટનગરો, અન્ય શહેરો તેમજ સાઉથ કોરિયાથી લઈને આફ્રિકા, યુરોપ અને અમેરિકા સહિતના અનેક શહેરોમાં કરોડો લોકોએ યોગ કરીને સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો હતો.

યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મુખ્ય કાર્યક્રમ ઉપરાંત એઇએસ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અને યુનિવર્સિટી ગ્રાઉન્ડ એમ કુલ પાંચ સ્થાનો પર એક સાથે લોકોએ યોગ કર્યા હતા. આ અંગે જિલ્લા કલેક્ટર અવંતિકા સિંહે દાવો કર્યો છે કે, જીએમડીસી સહિતના આસપાસના ગ્રાઉન્ડોમાં અઢીથી ત્રણ લાખ લોકોએ યોગ કર્યા છે. આ રીતે એક જ શહેરમાં એક જ સમયે, એકથી વધુ સ્થળે એક સમાન યોગાસાનો કર્યાનો વિક્રમ સ્થપાયો છે. આ ઉપરાંત સૌથી વધુ સમય સુધી શીર્ષાસનો, પુશ-અપ્સ, મેરેથોન યોગ જેવા કુલ ૨૪ વિવિધ કીર્તિમાન અમદાવાદમાં પ્રસ્થાપિત થયા છે.
મુખ્ય મંચ પરથી રામદેવ બાબા સાથે મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા (‘ભાઈશ્રી’)એ યોગાસનો કર્યા હતા જ્યારે પ્રધાન મંડળના સભ્યો, રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ અને મહાનુભાવોએ જનમેદની સાથે યોગ કર્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ ઓ. પી. કોહલીએ નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી તેમજ નિયમિત યોગ કરવાની સલાહ આપી હતી. મુખ્ય પ્રધાન રૂપાણીએ કહ્યું કે, નવો વિશ્વ વિક્રમ કરીને ગુજરાતે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું કે, યોગના માધ્યમથી નૈસર્ગિક જીવન જીવી શકાય છે. યુએન એસેમ્બલીને ભારત તરફથી વિશ્વ યોગ દિવસ માનવાનો પ્રસ્તાવ મળ્યો તેના ૪૨ દિવસમાં જ ૧૧૭થી વધુ દેશોએ ભારતના આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું.
જીએમડીસી સહિતના ગ્રાઉન્ડોમાં વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં આવ્યા હતા તેમજ રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યમાંથી આવેલા યોગ સાધકો પણ ચાર દિવસીય યોગ અનુષ્ઠાનમાં સહભાગી બન્યા હતા.

યોગના માધ્યમથી નૈસર્ગિક જીવન

રાજ્યપાલ ઓ. પી. કોહલીએ નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી તેમજ નિયમિત યોગ કરવાની સલાહ આપી હતી. મુખ્ય પ્રધાન રૂપાણીએ કહ્યું કે, નવો વિશ્વ વિક્રમ કરીને ગુજરાતે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું કે, યોગના માધ્યમથી નૈસર્ગિક જીવન જીવી શકાય છે. યુએન એસેમ્બલીને ભારત તરફથી વિશ્વ યોગ દિવસ માનવાનો પ્રસ્તાવ મળ્યો તેના ૪૨ દિવસમાં જ ૧૧૭થી વધુ દેશોએ ભારતના આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. જીએમડીસી સહિતના ગ્રાઉન્ડોમાં વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં આવ્યા હતા તેમજ રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યમાંથી આવેલા યોગ સાધકો પણ ચાર દિવસીય યોગ અનુષ્ઠાનમાં સહભાગી બન્યા હતા.

અમિત શાહનું ‘વજન’ વધ્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે યોગ-પ્રાણાયામ દ્વારા પણ ૨૦ કિલો વજન ઘટાડ્યું છે, પરંતુ રાજકીય વજન વધાર્યુ છે અને તેનાથી અનેક લોકોની ઊંઘ ઊડી ગઇ છે. આ લોકોએ પણ અનુલોમ-વિલોમ સહિત પ્રાણાયામ કરવા જોઈએ. અમિતભાઈ નિયમિત યોગ કરવાની સાથે ગિલોય અને આમળાનો જ્યૂસ પણ પીવે છે. તૃતીય વિશ્વ યોગ દિન, મારી જિંદગીનો યોગનો સૌથી મોટો દિવસ બની છે. વિશ્વ યોગ દિને યોગની વિશ્વની સૌથી મોટી ઈવેન્ટ ગુજરાતમાં થઈ છે. યોગ દ્વારા આપણે રોગમુક્ત, તણાવમુક્ત, અરાજકતામુક્ત, ગુનામુક્ત, વ્યસનમુક્ત રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે, એમ યોગગુરુ સ્વામી રામદેવજીએ વિશ્વ યોગ દિવસે, નિ:શુલ્ક યોગ ચિકિત્સા અને ધ્યાન શિબિરના અંતિમ, ચોથા દિવસે અમદાવાદમાં જણાવ્યું હતું.
અમદાવાદમાં વિશ્વ યોગ દિન. ૨૧ જૂને શંખધ્વનિ સાથે પ્રારંભ થયેલી ઉજવણીમાં ત્રણ લાખથી વધુ લોકોએ ભાગ લીધો અને ત્રણ દિવસમાં કુલ ૨૪ વિશ્વ રેકોર્ડ સર્જાયા હતા. વરસાદની વચ્ચે પણ યોગનો માહોલ એવો જામ્યો હતો કે ગ્રાઉન્ડની બહાર ઊભા રહીને પણ અનેક લોકોએ યોગ કર્યા હતા.

ત્રણ દિવસમાં ૨૪ વિશ્વ વિક્રમ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અમદાવાદમાં વિક્રમોની વણથંભી વણઝાર રચાઈ હતી. શહેરમાં એક સાથે ૫૪ હજારથી વધુ લોકોએ તો યોગ કરીને વિશ્વવિક્રમ સ્થાપ્યો જ હતો, પરંતુ આ સામૂહિક યોગ નિદર્શન સાથે દેશવિદેશમાં નોંધાયેલા અન્ય વિક્રમ પણ યોગ સાધકોએ તોડ્યા છે. શહેરમાં ત્રણ દિવસમાં ૨૪ વિશ્વ વિક્રમ સ્થપાયા છે. વર્ષ ૨૦૧૬માં કુ. પસમીને સતત ૩૨ કલાક યોગ કરવાનો વિશ્વવિક્રમ કર્યો હતો. તેની સામે આ વખતે ઉત્તર પ્રદેશના અયોધ્યાથી આવેલા મહેશ યોગીએ સતત ૫૧ કલાક યોગ કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ જ દિવસે સૌથી લાંબા સમય સુધી શિર્ષાસન કરવાનો રેકોર્ડ પતંજલી યોગપીઠના ત્રણ સાધકોએ સ્થાપિત કર્યો છે. જેમાં જયપાલ, ગોપાલ ડીંગી અને મોહન શંકરરાવ ઠાકરેએ સતત ત્રણ કલાક, ૩૩ મિનિટ અને ૩૩ સેકન્ડ સુધી શિર્ષાસન કરીને સંયુકત રીતે સૌથી લાંબો સમય શિર્ષાસન કરવાનો નવો રેકોર્ડ સ્થાપ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ સમય શીર્ષ પદ્માસન કરવાનો રેકોર્ડ બિહારના મધુબનીના રવિ જહાંએ કર્યો છે. તેમણે સતત ૪૦ મિનિટ સુધી શીર્ષ પદ્માસન કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. ત્રીજા વિશ્વ યોગ દિવસ નિમિત્તે એક મિનિટમાં સૌથી વધુ પુશ અપ્સ કરવાનો રેકોર્ડ મધ્ય પ્રદેશના સતનાના ૧૭ વર્ષીય તરૂણ આમત્ય સિંહે પ્રસ્થાપિત કર્યો છે. તેમણે એક મિનિટમાં ૧૫૭ પુશઅપ્સ કર્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter