અમારી સરકાર રોજગારી આપશે, ખેડૂતોના દેવા માફ કરશેઃ રાહુલ ગાંધી

Wednesday 27th September 2017 08:17 EDT
 
 

દ્વારકા, ભાટિયા: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે મુખ્ય વિપક્ષ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજ્યની ત્રિદિવસીય મુલાકાત લીધી. રાહુલે ૨૫મીએ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કર્યાં હતાં. ચોટીલા તથા ખોડલધામમાં પણ દર્શને જશે તેવું તેણે અગાઉ જણાવ્યું હતું. સૌરાષ્ટ્રના ૪ જિલ્લાના ૩ દિવસના પ્રવાસના પ્રારંભમાં રાહુલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યાં. તેમણે જણાવ્યું હતું કે, નોટબંધી, જીએસટીથી ખેડૂતો, વેપારીઓ પાયમાલ થઈ ગયા છે. હાલારમાં રોડ શો અને વીજળી ઝડપે કરેલા લોકસંપર્કમાં રાહુલ છવાયો હતો. તેણે વેપારીઓ, વિદ્યાર્થીઓ, માછીમાર, સરપંચ વગેરે સાથે મુલાકાત કરી હતી. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ એ પંથકની મુલાકાતથી રાજ્ય વિધાનસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યાં છે. જ્યાંથી તાજેતરમાં જ બે દિગ્ગજ કોંગી અગ્રણીઓએ પંજાનો હાથ છોડી ભાજપનો ભગવો ધારણ કર્યો છે.
દ્વારકાથી રાહુલ ગાંધીની નવસર્જન યાત્રા ભાટિયા ગામે આવી હતી. પોલીસ ચોકી ચોકમાં બસમાંથી ઉતરતાં ગ્રામજનોએ તેનું સ્વાગત કર્યું હતું. રાહુલે ત્યાં કહ્યું કે, યુવા બેરોજગારોને નોકરી મળતી નથી. ખેડૂતોને મગફળીનો પૂરતો ભાવ મળતો નથી. આ સરકાર પૈસાદારોની છે. દરરોજ ત્રીસ હજાર જેટલા બેરોજગારો નોકરી માટે ભટકે છે, પણ તેમાંથી ગણ્યાગાંઠયાને નોકરી મળતી હોવાનું જણાવી રાહુલે કહ્યું કે, અમારી સરકાર આવશે તો બેરોજગારોને નોકરી મળશે અને ખેડૂતોના દેવા માફ થશે. તે ગરીબોની સરકાર હશે. કિસાનોને તેમણે પૂછયું હતું કે ‘શું તમને મગફળીના વ્યાજબી ભાવ મળે છે ખરા?’
૨૫મીએ ૪.૩૦ કલાકે ખંભાળિયા મિલન ચાર રસ્તા પર જાહેર સભા સ્થળે રાહુલ ગાંધીને આવકારવા અંદાજે ૩૦૦૦થી ૪૦૦૦ જેટલી મેદની હતી. ત્યાં સભાને સંબોધતા રાહુલ ગાંધીએ લોકોને પુછયું કે વિકાસ કેવો થઈ ગયો છે? ત્યારે લોકોએ ચિચીયારી પાડી વિકાસ ગાંડો થયો હોવાનું કહ્યું હતું. નોટબંધીના મુદ્દે વડા પ્રધાનની આકરી ટીકા કરતાં રાહુલ ગાંધીએ આક્રમકતા સાથે જણાવ્યું હતું કે, ખેડૂતો બીજ લેવા જાય અને મજૂર મજૂરીના પૈસા લેવા જાય તે રોકડા આપે કે પછી ચેકથી આપે? મંગળવારે રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે સૂતરની આંટી પહેરાવીને રાહુલનું ભવ્ય સ્વાગત કરાયુંું હતું. રાહુલ રાજકોટ સર્કિટ હાઉસમાં ડીનર લઇને ત્યાં રાત્રિરોકાણ કરશે અને ૨૭મીએ ચોટીલા, જસદણ, ગોંડલ, ખોડલધામ વગેરે સ્થળે જવા રવાના થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter