વોશિંગ્ટનઃ અમેરિકામાં રહેતા ગુજરાતીઓ પર હુમલાની ઘણી ઘટના સામે આવી છે, જે પૈકી કેટલાકના મૃત્યુ પણ થયા છે. 2021ની આવી જ એક ઘટનામાં અમિત પટેલની જ્યોર્જિયાના કોલમ્બસમાં ગોળી મારીને હત્યા કરાઇ હતી. આ ઘટનાને ચાર વર્ષ થવા છતાં FBI આ કેસ હજી ઉકેલી શકી નથી. વર્ષોની તપાસ છતાં કોઈ ધરપકડ થઈ નથી અને અમિત પટેલનો હત્યારો પોલીસ પકડથી દૂર છે. આ અજાણ્યા હત્યારાને પકડવા માટે હવે FBI એ ઈનામની રકમ 15,000 ડોલરથી વધારીને 20,000 ડોલર કરી છે.
45 વર્ષીય અમિત પટેલને ડિસેમ્બર 2021માં બ્યુએનાવિસ્ટા રોડ પર આવેલી સિનોવસ બેંકની બહાર ગોળી મારવામાં આવી હતી. તેઓ તેમના વિકલી બિઝનેસની આવક બેંકમાં જમા કરાવવા ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. પોલીસ રિપોર્ટ મુજબ, હત્યા પાછળનો હેતુ લૂંટનો હતો. અમિત પટેલ બેંક પર પહોંચ્યા કે તરત જ એક કાર તેમની બાજુમાં આવીને ઊભી રહી, જેમાં બે હુમલાખોર હતા. જુલાઈ 2025માં આ ઘટનાના સીસીટીવી જાહેર કરાયા હતા. ફૂટેજમાં આરોપીએ માસ્ક પહેર્યો હતો અને વાહન પર નંબર પ્લેટ ન હોવાથી તેને ટ્રેસ કરવું લગભગ અશક્ય બની ગયું છે.


