અમિત શાહ ગાંધીનગર બેઠકેથી ચૂંટણી લડશે

Wednesday 27th March 2019 07:15 EDT
 
 

ગાંધીનગરઃ ધૂળેટીના દિવસે ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની પહેલી યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પછી બીજા ક્રમે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નામની જાહેરાત થઈ હતી. તેઓ ગાંધીનગર બેઠકેથી ચૂંટણી લડશે.
સાંસદ તરીકે નવ ટર્મમાંથી લાલકૃષ્ણ અડવાણી છેલ્લી ચાર ટર્મથી ગાંધીનગરમાં પ્રતિનિધિત્વ કરે છે. પાંચ વર્ષ પહેલા તેમને અન્યેથી ચૂંટણી લડવા કહેવાયું હતું, પરંતુ તે માન્યા ન હતા. આ વખતે તેમને ટિકિટ નહીં મળે તે પહેલેથી જ નિશ્ચિત હતું. ધૂળેટીના દિવસે જ ભાજપના ૧૮૪ ઉમેદવારોની યાદીમાં બીજા ક્રમે અપેક્ષા મુજબ અમિત શાહનું નામ જાહેર થતાં ગુજરાતભરમાં ભાજપના કાર્યકરો, હોદ્દેદારો, ધારાસભ્યોએ ફટાકડા ફોડી ઉત્સવ ઉજવ્યો હતો. જિલ્લા કાર્યાલયોની બહાર ઢોલ-નગરાના તાલે મહિલા કાર્યકરોએ ગરબા ગાયા હતા.
પાંચ લાખથી વધુનો ટાર્ગેટ
વર્ષ ૨૦૧૪માં લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગર બેઠકથી ૪.૮૩ લાખ મતોની સરસાઈથી વિજેતા થયા હતા. ઘાટલોડિયા, નારણપુરા, સાબરમતી, વેજલપુર, ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ એમ સાત વિધાનસભાને આવરી લેતી ગાંધીનગર લોકસભાનો અધિકાંશ વિસ્તાર ૨૦૧૨ પહેલાના જૂના સીમાંકન પ્રમાણે સરખેજ વિધાનસભાનો છે. જ્યાંથી ધારાસભ્ય રહેતા અમિત શાહે ગાંધીનગર લોકસભાના ઈન્ચાર્જ તરીકે બુથ લેવલ સુધીની જવાબદારી નિભાવી હતી. હવે જ્યારે શાહ ગાંધીનગરથી ચૂંટણી લડવાના ત્યારે પાંચ લાખથી વધુ મતની સરસાઈથી વિજયનો ટાર્ગેટ છે.
શાહ સામે ચાવડા
આ બેઠકેથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધારાસભ્ય ડો. સી જે ચાવડા લગભગ નિશ્ચિત મનાય છે. એક સમયે મુખ્ય પ્રધાન કાર્યલાયમાં ઓએસડી રહેલા ક્લાસ-વન ઓફિસર ચાવડા સરકારી નોકરીમાંથી રાજીનામું આપી રાજકારણમાં જોડાયા હતા. ગોઝારિયા પાસે આવેલા વસાઈ-ડાભલાના ચાવડાની સાસરી વિજાપુરના પિલવાઈ ગામમાં છે. અમિત શાહનાં પત્નીનો પરિવાર પણ પિલવાઈનો છે. આ પ્રમાણે એક જ ગામના જમાઈઓ ચૂંટણીમાં આમને સામને આવશે. અમિત શાહનું વતન માણસા છે. માણસા પણ ચાવડાના સમાજનું ગામ છે. ગાંધીનગર-મહેસાણા જિલ્લાના સામાજિક-રાજકીય વર્તુળોમાં આ બંને વચ્ચેના ગામપેટે સાઢુભાઈના સંબંધો હવે રાજ્ય અને દેશના ફલક પર સામે છે. જોકે, આ બંનેના ગામ અને સાસરીના મતદારો મહેસાણા લોકસભા હેઠળ આવતા હોવાથી જમાઈઓને મત આપી શકશે નહીં.
ફોર્મ ભરતી વેળાએ જ રોડ- શો
અમિત શાહે ઓગસ્ટ ૨૦૧૭માં રાજ્યસભામાં ચૂંટાયા બાદ નારાણપુરાના ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે અમિત શાહ અમદાવાદથી ગાંધીનગર રોડ-શો કરી શકે. પ્રદેશ ભાજપી નેતાઓએ કહ્યું કે, રાષ્ટ્રીય અધ્યક્ષના માથે દેશભરમાં રાજકીય કાર્યોની જવાબદારી હોવાથી ભાજપના કાર્યકરો સ્વંય અમિત શાહ થઈને રાજ્યમાં તેમના વતી પ્રચાર કરશે.
૨૬ બેઠક પર માહોલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે ગુજરાતમાંથી ચૂંટણી નહીં લડે તે પહેલેથી જ સ્પષ્ટ હતું. આ સ્થિતિમાં અમિત શાહ લોકસભાની ઉમેદવારી કરે તો ગુજરાત ભાજપ સંગઠનમાં ઉત્સાહનો માહોલ રહે તેવી લાગણી પ્રદેશ નેતૃત્વની હતી. તેથી અમદાવાદ-ગાંધીનગરને સમાવતા લોકસભા મતક્ષેત્રમાં ઉમેદવારી થકી સમગ્ર ગુજરાત અને તેમાંય ઉત્તર ગુજરાતના કાર્યકરો બમણાં જોશથી ચૂંટણીકાર્યમાં જોતરાશે એમ કહેવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter