અમદાવાદઃ ભાજપ પ્રદેશની સોમનાથમાં યોજાયેલી કારોબારી બેઠક પછી ૨૪મી એપ્રિલે બપોરે અમિત શાહ પાછા દિલ્હી રવાના થયા. એ પહેલાં સવારે અમદાવાદમાં આવેલા થલતેજના નિવાસસ્થાને તેઓએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, ધારાસભ્ય બાબુભાઈ પટેલ તથા આઈપીએસ અધિકારી હિમાંશુ શુકલા સાથે મુલાકાત કરી હતી. અનુમાન છે કે, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં અદાણી પાવર લિ.ને ૨૦૦૭માં થયેલા પીપીએ કરતાં વધુ ભાવ આપવાની માગ ફગાવી તે સંદર્ભે આ બેઠક હોય.
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.નો અદાણી સાથેનો પીપીએ યુનિટ દીઠ રૂ. ૨.૩૫ના ભાવનો હતો. તેમાં ૭૨ પૈસાના વધારાની અદાણીની માગને સુપ્રીમે ફગાવી હતી. જેથી અદાણી જૂથને મોટો આર્થિક ફટકો પડયો છે. આ સંદર્ભે ગૌતમ અદાણીએ રાજકીય રીતે પ્રશ્ન હલ કરવા શાહ સાથે મુલાકાત કરી તેવું બનવાજોગ છે. અલબત્ત, અદાણી સાથેની શાહની ચાલુ બેઠકમાં હિમાંશુ શુકલા અધવચ્ચેથી જોડાયા એની પણ રાજકીય અટકળો લગાવાય છે.


