મુંબઈઃ વર્ષ ૨૦૦૬ના તુલસીરામ પ્રજાપતિ બનાવટી એન્કાઉન્ટર કેસના મુખ્ય તપાસ અધિકારી સંદીપ તામગડગેએ ૨૨મીએ વિશેષ સીબીઆઈ અદાલત સમક્ષ સ્ફોટક જુબાની આપતાં જણાવ્યું હતું કે, ભાજપના અધ્યક્ષ અમિત શાહ, આઈપીએસ અધિકારી ડી. જી. વણઝારા, દિનેશ એમ. એન. તેમજ રાજકુમાર પાન્ડિયન આ વિવાદાસ્પદ હત્યાના મુખ્ય ષડ્યંત્રકર્તા હતા.
૨૧ નવેમ્બરના રોજ તેમની જુબાની કોર્ટમાં રેકર્ડ પર લેવાઈ હતી. ૨૦૦૧ની બેચના આઈપીએસ અધિકારીએ કોર્ટમાં જણાવ્યું હતું કે અમિત શાહ તે ‘અપરાધી-રાજકારણી-પોલીસ સાઠગાંઠ’નો ભાગ હતા. તુલસી પ્રજાપતિ, તેનો સાથીદાર સોહરાબુદ્દીન શેખ અને સોહરાબુદ્દીનની પત્ની કોસરબીની હત્યા આ સાઠગાંઠની નીપજ હતી. તુલસી પ્રજાપતિ આ એન્કાઉન્ટર કેસનો એક માત્ર સાક્ષી હતો અને તે પણ એન્કાઉન્ટરમાં ઠાર
થયો હતો.
૨૧મીએ નાગાલેન્ડ કેડરના આ અધિકારી તામગડગે આ કેસના ૨૧૦મા સાક્ષી તરીકે જુબાની આપી હતી. ૨૦૧૧ થી ૨૦૧૫ દરમિયાન તેમણે સીબીઆઈમાં વિવિધ પદે ફરજ બજાવી હતી. નવ કલાક સુધી તેમની જુબાની ચાલી હતી. કેસમાં કુલ ૩૫ આરોપી હતા જે પૈકી હાલમાં ૨૨ આરોપી સામે જ કેસ ચાલે છે.