અમિત શાહ ફરી રાજનીતિના ચાણક્ય પુરવાર થયા

Thursday 21st December 2017 05:44 EST
 
 

અમદાવાદઃ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ફરી એક વખત રાજનીતિના ચાણક્ય પુરવાર થયા છે. ગુજરાતમાં ભાજપ સામે અનેક પ્રકારનાં પડકારો અને મુશ્કેલીઓ હોવા છતાં તેઓએ પોતાની સૂઝબૂઝથી ભાજપને કાંઠા સુધી લાવવામાં સફળતા મેળવી છે. ગુજરાતમાં ભાજપને સતત છઠ્ઠી વખત સરકાર બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.
૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાંથી જ ભાજપને ૭૩ બેઠક અપાવીને કેન્દ્ર સરકાર બનાવવામાં મહત્વનું કામ કરનારા અમિત શાહને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સોંપાઈ હતી. ત્યારબાદ જુદા જુદા રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીઓમાં પણ ભાજપને જબરદસ્ત સફળતા અપાવી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ૩૨૫ બેઠકો સાથે ભાજપને વિજયી બનાવવામાં કુશળ રણનીતિકાર, વ્યૂહરચનાકાર તરીકે સફળ થઈને દેશની રાજનીતિને નવો વળાંક આપ્યો છે.
ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભાજપની જીતના મહત્ત્વનાં આધારસ્તંભ પૂરવાર થયા છે. ગુજરાતની ચૂંટણીની બાગડોર સંભાળીને તેઓ ગુજરાતમાં ઠેરઠેર ફર્યા હતા. જાહેરસભાઓ રેલીઓ કરી હતી. અમિત શાહ ૭ દિવસમાં રાજ્યનાં તમામ જીલ્લા-મહાનગરોનાં શક્તિ કેન્દ્રના ઈન્ચાર્જ સાથે અને આગેવાનો સાથે બેઠકોનો દૌર કરી માર્ગદર્શન આપ્યું હતું.
તેઓએ ૫૦ હજારથી વધુ કાર્યકરો સાથે સીધો સંવાદ કર્યો હતો. દરિયાપુરમાં મનકી બાત - આપકે સાથેના કાર્યક્રમમાં મુસ્લિમ લોકો પણ તેમને જોવા મોટી સંખ્યામાં આવ્યા હતા.
અમિત શાહે ૧૯૯૫ પહેલાનું અને ત્યાર પછીના ગુજરાતનાં વિવિધ મુદ્દાઓને ધ્યાને લઈને પ્રચાર કાર્યક્રમને અસરકારક બનાવ્યો હતો. ઉપરાંત વિવિધ નેતાઓની યોજાતી ચૂંટણી સભાઓ અને બેઠકો અંગેની રણનીતિ ઘડવામાં ઝીણવટભર્યું આયોજન કર્યું હતું.
ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં જીત ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે, આ વિજય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓને મળ્યો છે. વંશવાદ, જાતિવાદ અને તૃષ્ટિકરણ ઉપર વિકાસવાદનો વિજય થયો છે. મોદીજીએ દેશના રાજકારણમાં ઘૂસેલાં આ દૂષણોનો નાશ કર્યો છે, ગુજરાતમાં અમે છઠ્ઠી વખત સરકાર બનાવીશું. હવે દેશનાં ૧૯ રાજ્યોમાં એનડીએની સરકાર છે. કોંગ્રેસ દ્વારા પ્રચારનું આ સ્તર સાવ નીચે લઈ જવામાં આવ્યું હતું. તેઓ જાતિવાદની નીતિ કરતા હતા જ્યારે ભાજપ અને મોદીજી વિકાસના મુદ્દાને વળગી રહ્યા હતા. વિકાસના પ્રચાર બાદ જ ભાજપના વોટશેરમાં ૧.૨૫ ટકાનો વધારો થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter