ગાંધીનગરઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ધારાસભ્ય તરીકેના ૨૦ વર્ષના કાર્યકાળના છેલ્લા દિવસે વિધાનસભા ગૃહમાં ચર્ચામાં ભાગ લીધો હતો. તેમણે કોંગ્રેસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે. આવી જાવ, ડિસેમ્બરમાં થઇ જાય બે-બે હાથ. તેમણે કોંગ્રેસને કહ્યું હતું કે તમારે જેટલું પણ જોર લગાવવું હોય તેટલું લગાવો, જે કારસા કરવા હોય તે કરો, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી- નીતિન પટેલના નેતૃત્વમાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના વિકાસને તમે રોકી નહીં શકો.
આગામી ચૂંટણી નર્મદા યોજના, ઓબીસી કલ્યાણ અને ગરીબ કલ્યાણના મુદ્દાઓ પર લડાશે, એમ પણ તેમણે કહ્યું હતું. રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ ૯ ઓગસ્ટે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યું હતું. તેમણે અધ્યક્ષ રમણલાલ વોરાના નિવાસસ્થાને જઇને પોતાનું રાજીનામુ સુપરત કર્યું હતું.
રાજીનામા પહેલા શાહે વિધાનસભા ગૃહમાં હાજરી આપી હતી જ્યાં તેમનું અભિવાદન કરાયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમિત શાહના અભિવાદનનો પ્રસ્તાવ મૂક્યો હતો જેનો અધ્યક્ષે સ્વીકાર કર્યો હતો. અમિત શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસનું વલણ હંમેશા નર્મદા માટે વિરોધી રહ્યું છે. જ્યારે જ્યારે કોંગ્રેસ સત્તામાં આવી છે ત્યારે નર્મદાનું કામ ખોરંભે પડ્યું છે.


