અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની વહેલી ચૂંટણીની તમામ શક્યતાઓ હવે સમાપ્ત થઈ ગઈ છે. સોમનાથમાં હાલમાં જ યોજાયેલી ભાજપની રાજ્ય કારોબારીમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ નિર્ણયની રાજ્યના નેતાઓને જાણ કરી છે અને નવેમ્બરમાં ચૂંટણીને લઈને વિજયનો રોડમેપ તૈયાર કરવા ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને જણાવી દેવાયું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી કરાવવી કે નહીં તે અંગે સઘન વિચારણા ચાલી રહી હતી. ગુજરાતમાંથી અને અન્ય સ્રોત મારફતે રિપોર્ટ પણ મંગાવાયા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે અમિત શાહ સાથે થયેલી વાતચીત દરમિયાન જ આ વિશે આખરી ચર્ચા થઈ અને બંને સંયુક્તપણે એ નિર્ણય પર પહોંચ્યા કે, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ વહેલી કરાવવાની જરૂર નથી. અહીં એ પણ સ્પષ્ટ જ કરી દેવામાં આવ્યું છે કે વિધાનસભાની ચૂંટણી દીવાળીના તહેવારો પછી જ યોજવામાં આવશે. આથી જ્યારે ગયા મહિને દર થોડા દિવસે ચૂંટણી પંચ દ્વારા એવા પરિપત્રો બહાર આવ્યા હતાં કે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકે તેવા કર્મચારીઓ અંગે જાણ કરીને તેમને પણ તાકીદ કરી દેવામાં આવે, તેના પર પૂર્ણવિરામ મુકાયું છે.
કોંગ્રેસીઓને ભાજપમાં લાવવાનો તખતો
વિધાનસભાની ચૂંટણી પહેલા હાઇકમાન્ડ અને પ્રાદેશિક નેતૃત્વ વચ્ચે ચાલી રહેલા આંતરકલહથી નિરાશ થયેલા અનેક કોંગ્રેસી ધારાસભ્યો નેતાઓ તેમજ ભાજપના સ્થાનિક નેતૃત્વ સાથે સંપર્કો તેજ થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશ અને દિલ્હીની ચૂંટણીઓ પહેલા જે રીતે કોંગ્રેસ, આપ સહિતની પાર્ટીના આગેવાનો ભાજપમાં જોડાયા તેવો માહોલ ગુજરાતમાં સર્જાયો છે. આથી, ભાજપમાં ભળવા માંગતા કોંગ્રેસના નેતાઓ સ્વીકારવા તખતો તૈયાર થઈ ચૂક્યો છે. સરકારમાં પ્રધાનો, પ્રદેશ સંગઠનના નેતાઓ સાથે આ કોંગ્રેસી સંપર્કમાં હોવાના મજબૂત સંકેતો મળ્યા છે. આથી, આગામી મે જૂન મહિનામાં ગુજરાત આવી રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ચૂંટણીઓ પહેલાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવવા ઈચ્છુકોને આવકારવાની રણનીતિ તૈયાર કરવામાં આવે તો નવાઈ પામવા જેવું નથી.


