ગાંધીનગરઃ દસ વર્ષ અગાઉ ગુજરાતના પ્રવાસન સ્થળોને આવરી લઇને અમિતાભ બચ્ચને કરેલી ખુશ્બુ ગુજરાત કી એડ ફિલ્મે ગુજરાતના ટૂરિસ્ટ પોઇન્ટને દેશ-દુનિયામાં પ્રખ્યાત બનાવી દીધા હતા, ત્યારે ફરી એક વાર કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે અમિતાભ બચ્ચન ખુશ્બુ ગુજરાત કીનું એડ કેમ્પેઇન શરૂ કરવા જઇ રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસ આંતરરાષ્ટ્રીય કક્ષાના પર્યટન સ્થળો બની ગયા છે અને રોજના સરેરાશ ૧૫ હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે છે ત્યારે અમિતાભ બચ્ચન ફરી એક વાર ખુશ્બુ ગુજરાત કી એડ કેમ્પેઇનથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રચાર કરશે.
વર્તુળોમાંથી મળતી માહિતી પ્રમાણે અમિતાભ બચ્ચન સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત કુલ ૬ પ્રવાસન સ્થળોએ એડ ફિલ્મનું શુટિંગ કરશે. શિડ્યુલ હજુ નક્કી થયું નથી, પરંતુ બે મહિના પછી એટલે કે જાન્યુઆરીમાં શુટિંગની તારીખો નક્કી થાય તેવી શક્યતા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત ગિરનાર, પોળોના જંગલો, બાલાસિનોરના ડાયનાસોર પાર્ક ખાતે પણ એડ ફિલ્મનું શુટિંગ કરશે.