અમેરિકા નિવાસી પતિએ ૨૩ વર્ષ સુધી ભરણપોષણ ન આપતાં મહિલા હાઈ કોર્ટમાં અરજી કરી

Monday 25th January 2021 11:40 EST
 

અમદાવાદ: અમેરિકામાં રહેતા પતિ પાસેથી ભરણપોષણ પેટે મહિને રૂ. દોઢ લાખ મેળવવામાં ૨૩ વર્ષ સુધી સફળતા ન મળતાં પતિને ભારત પરત લાવવા અને કોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ તેને સજા કરવાની માગ સાથે અમદાવાદની મહિલાએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી. હાઈ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકારના વકીલને સૂચના આપી છે કે, આ અંગે જરૂરી વિગત આપો. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.
વર્ષ ૧૯૯૨માં સોનલનાં લગ્ન થયાં હતાં
સોનલ પટેલ નામની આ મહિલાના વકીલનું કહેવું છે કે, વર્ષ ૧૯૯૨માં સોનલનાં લગ્ન અમેરિકાના ગ્રીન કાર્ડ હોલ્ડર જીતેન્દ્ર પટેલ સાથે ભારતમાં થયાં હતા. લગ્ન બાદ, ચાર-પાંચ દિવસમાં જ જીતેન્દ્ર અમેરિકા જતો રહ્યો હતો. અમેરિકા જતાં જીતેન્દ્રએ પત્નીને કહ્યું હતું કે તે તેના વિઝાની પ્રક્રિયા ટૂંક સમયમાં જ શરૂ કરશે. જોકે, આ અંગે કોઈ કાર્યવાહી થઈ નહીં અને વર્ષ
વર્ષ ૧૯૯૭માં ભરણપોષણ માટેનો કેસ કર્યો
૧૯૯૭માં સોનલે ભરણપોષણ માટે કોર્ટમાં કેસ કર્યો અને રજૂઆત કરી હતી કે સાસરિયાએ તેને દહેજ માટે હેરાન કરી હતી. આ ઉપરાંત, પતિએ પણ તેને છેતરી હતી. જેમાં, વિઝાની પ્રક્રિયા હાથ ધરવાના નામે કોરા કાગળ પર સહી કરાવી લીધી હતી. આ પછી, આ કાગળ પર પતિએ તેને છૂટાછેડાની જાણ કરી હતી.
વર્ષ ૨૦૦૩માં ટ્રાયલ કોર્ટે હુકમ કર્યો હતો કે, પતિએ ભરણપોષણ પટે દર મહિને તેની પત્નીને રૂ. દોઢ લાખ ચૂકવે. જેની સામે, પતિએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી. જેને હાઈ કોર્ટે ફગાવી હતી. આ પછી, પતિ ક્યારેય ભારત પરત ફર્યો નહીં. અરજદાર મહિલાએ પતિના માતા-પિતાની મિલકતમાંથી ભરણપોષણ મેળવવા પ્રયાસ કરેલો, પણ સુપ્રીમ કોર્ટે રોક લગાવી હતી.
વર્ષ ૨૦૧૭માં ફરી વખત હાઈ કોર્ટમાં અરજી
વર્ષ ૨૦૧૭માં ફરી એકવાર અરજદાર મહિલાએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી. અરજદાર મહિલાના વકીલની રજૂઆત હતી કે, ભારત-અમેરિકા વચ્ચે સંધિ છે, તે મુજબ કેન્દ્રીય ગૃહ વિભાગ ફોર્મ ભરીને અમેરિકાના એટર્ની જનરલને મોકલી આપે. આ પછી, અરજદારના પતિને શોધીને પકડી આપે અને મહિલાને ન્યાય મળે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter