અમેરિકાના મોનરો લેકમાં બે ગુજરાતી વિદ્યાર્થી ડૂબ્યા

Thursday 20th April 2023 04:34 EDT
 
 

અમદાવાદઃ અમેરિકાની પ્રતિષ્ઠિત ઈન્ડિયાના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બે ગુજરાતી વિદ્યાર્થીઓના તળાવમાં ડૂબી ગયા છે. આ વિદ્યાર્થીઓના નામ સિદ્ધાંત શાહ અને આર્યન વૈદ્ય હોવાનું જાણવા મળે છે. સિદ્ધાંત અને આર્યન અન્ય મિત્રોની સાથે ગયા શનિવારે બ્લુમિંગ્ટન નજીક આવેલા મોનરો લેક (Monroe Lake)માં બોટિંગ કરવા ગયા ત્યારે ડૂબી ગયાં હતા. સત્તાવાર અહેવાલ પ્રમાણે મિત્રોએ તેમને બચાવવાનો ભરપૂર પ્રયાસ કર્યા હતા પરંતુ તેમાં સફળતા મળી ન હતી. બંનેને શોધવા માટે તંત્ર પ્રયાસો કરે છે.

આ બે યુવાનોમાં સિદ્ધાંત શાહની ઉંમર 19 વર્ષ જ્યારે આર્યન વૈદ્યની ઉંમર 20 વર્ષ જણાવાઇ છે. લેકમાં ડૂબી ગયેલાં આ ગુજરાતી વિદ્યાર્થીઓને શોધવા માટે સ્કૂબા ડાઈવર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે છતાં બંનેના કોઈ સગડ મળ્યા નથી. ત્રણ દિવસથી તેમની શોધખોળ ચાલુ છે.

સિદ્ધાંત શાહ અમદાવાદનો વતની
આ બંને વિદ્યાર્થી કેલે સ્કૂલ ઓફ બિઝનેસમાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે. તેમાંથી સિદ્ધાંત શાહ મૂળ અમદાવાદનો છે અને તેના પિતા બિલ્ડર છે. આર્યન વૈદ્ય પહેલેથી ઓહાયોમાં રહેતો હતો. તેઓ મિત્રો સાથે મોનેરો લેકમાં બોટિંગ માટે ગયા હતા અને પછી તરવા માટે પાણીમાં ઉતર્યા હતા. ઈન્ડિયા યુનિવર્સિટીના સ્ટેટમેન્ટ પ્રમાણે રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે.

સ્કૂબા ડાઈવર્સને પણ સફળતા ન મળી

એક રિપોર્ટ પ્રમાણે સિદ્ધાંત અને આર્યન પાણીમાં કૂદી પડ્યા ત્યાર પછી સપાટી પર પાછા આવ્યા જ ન હતા. તેના મિત્રોએ તેમને કાઢવા માટે પ્રયાસ કર્યો પરંતુ તેમનો પતો મળ્યો ન હતો. રેસ્ક્યુ ટીમે શનિવારથી શોધખોળ શરૂ કરી જેમાં સ્કેનિંગ ડિવાઈસ અને સ્કૂબા ડાઈવર્સનો ઉપયોગ કર્યો હતો. જોકે અંધકારના કારણે રાતે રેસ્ક્યુ કામગીરી છોડી દેવી પડી હતી. ત્યાર પછી રવિવાર અને સોમવારે પણ શોધખોળ કરવામાં આવી હતી જેમાં કોઈ સફળતા મળી નથી. નેચરલ રિસોર્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે બહુ વેગથી પવન ફૂંકાતો હોવાના કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે.

એક અધિકારીએ જણાવ્યું કે, ‘અમે અત્યાધુનિક સાધનો અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તેના માટે સ્ટેબલ વાતાવરણ હોવું જરૂરી છે. જોરદાર પવન ફૂંકાવાના કારણે અમારી બોટ સ્થિર રહી શકતી નથી, જેના કારણે બોડી શોધવામાં મુશ્કેલી પડે છે.’

લાઈફ જેકેટ નહોતા પહેર્યા
સત્તાવાર અધિકારીએ જણાવ્યું કે બંને યુવાનો લાઈફ જેકેટ પહેર્યા વગર પાણીમાં કૂદી પડ્યા હતા જેના કારણે આ ઘટના બની હતી. આવા સમયે લાઈફ જેકેટ પહેર્યું હોય તો આવી ટ્રેજેડી ટાળી શકાય છે. બેમાંથી એક યુવાનને બહુ સારી રીતે તરતા આવડતું હતું છતાં તેની સાથે આ ઘટના બની છે. તે દર્શાવે છે કે કોઈની પણ સાથે આવી કરૂણાંતિકા બની શકે છે, તેમ તેમણે કહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter