અમદાવાદ: અમદાવાદ ખાતે 15 ડિસેમ્બરથી યોજાનારા પ્રમુખસ્વામી જન્મશતાબ્દી મહોત્સવ માટે વિદેશથી 1 લાખ ગુજરાતીઓ આવવાના છે, આ પૈકી મોટાભાગના અમેરિકા છે. એટલું જ નહીં અમેરિકા અવર-જવર કરતી કોઈપણ ફ્લાઇટમાં સરેરાશ 60 ટકા ગુજરાતી હોય છે.
એર ઇન્ડિયાએ તાજેતરમાં મુંબઇ-ન્યૂયોર્ક, દિલ્હી-મિલાન, દિલ્હી-વિયેના, દિલ્હી-કોપેનહેગન વચ્ચે આવતા વર્ષથી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. જો કે અમેરિકા માટે ડાયરેક્ટ ફ્લાઇટમાં અમદાવાદને ફરી નજરઅંદાજ કરવામાં આવ્યું છે. હાલમાં ગુજરાતથી અમેરિકા જતાં મુસાફરોને દિલ્હી, મુંબઇ, બેંગલુરુથી ફ્લાઇટ બદલવી પડે છે. જેના કારણે સ્થિતિ એ સર્જાય છે કે, આ એરપોર્ટ પહોંચ્યા બાદ તેમને 9-10 કલાક સુધી એરપોર્ટ પર બેસી રહેવું પડે છે. આ એરપોર્ટથી જ અમેરિકા જવા ચેક-ઇન, સિક્યુરિટીમાંથી પસાર થવું પડે છે. જેના કારણે ખાસ કરીને વૃદ્ધોને ભારે પરેશાની પડે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2007માં અમદાવાદથી અમેરિકા માટે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરાઈ હતી, પરંતુ 2012માં તે બંધ કરાઇ, જે 10 વર્ષ બાદ પણ શરૂ કરાઇ નથી. અમદાવાદ-અમેરિકા વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ નહીં શરૂ કરવા અંગે અમેરિકા દ્વારા અગાઉ એવું કારણ દર્શાવવામાં આવતું હતું કે અમેરિકાના ધારાધોરણ મુજબની અદ્યતન બેગેજ સ્કેનિંગ સિસ્ટમ અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ન હોવાથી ફ્લાઇટ શરૂ કરાતી નથી. પરંતુ ખાનગીકરણ થયા બાદ હવે બેગેજ સ્કેનિંગ સિસ્ટમ પણ અમેરિકાના ધારાધોરણ પ્રમાણેની થઇ ગઇ છે. આમ છતાં અમેરિકા દ્વારા ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવા માટે ઇન્સ્પેક્શનની ટીમ અમદાવાદ મોકલવામાં આવી રહી નથી. છેલ્લાં પાંચ વર્ષથી અમેરિકાથી અમદાવાદની ફ્લાઇટ માટે સ્લોટ હોવા છતાં ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવામાં ઠાગાંઠૈયાં કરવામાં આવી રહ્યાં છે.