નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ આયોગે વ્હાઈટ હાઉસ અને અન્ય સંઘીય એજન્સીઓની વેબસાઈટનું એશિયાઈ-અમેરિકી તથા પેસિફિક ક્ષેત્રના લોકો દ્વારા બોલાતી ભાષાઓમાં અનુવાદ કરાવવાની ભલામણ કરાઈ છે. આ ભાષાઓમાં હિન્દી, ગુજરાતી અને પંજાબી ભાષા સામેલ છે.
પ્રેસિડેન્ટ એડવાઈઝરી કમિશન ઓન એશિયન અમેરિકન્સ (એએ), નેટિવ હવાઈયન્સ એન્ડ પેસિફિક આઈલેન્ડર્સે આ ભાષાઓને સામેલ કરવા સંબંધિત ભલામણોને તાજેતરમાં જ મંજૂરી આપી હતી. રાષ્ટ્રપતિ આયોગની ચાલુ મહિનાની શરૂઆતમાં યોજાયેલી બેઠકમાં સૂચન કરાયું હતું કે સંઘીય એજન્સીઓએ પોતાની વેબસાઇટ પર હાજર મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ, ડિજિટલ કન્ટેન્ટ અને અરજી ‘એએ’ તથા ‘એનએચપીઆઈ’ દ્વારા બોલાતી ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવા જોઇએ.
આ સૂચનો હવે વ્હાઈટ હાઉસ મોકલાયાં છે જેના પર રાષ્ટ્રપતિ જો બાઈડેન કોઈ નિર્ણય લેશે. અલબત્ત, એવું પણ નથી કે આ સૂચન એકાએક કરાયું છે પણ તે ત્યારથી વિલંબિત છે જ્યારે ભારતીય-અમેરિકી અજય જૈન ભુટોરિયાએ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર રહેલા બાઈડેન માટે રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન અનેક ભાષાઓમાં પ્રચાર કર્યો હતો અને બાઈડેન ચૂંટણી જીતી ગયા હતા. હિન્દી, ગુજરાતી, પંજાબી અને તેલુગુ ભાષામાં કરાયેલા પ્રચારે સમુદાય પર વિશેષ પ્રભાવ પાડ્યો હતો.