અમેરિકામાં કરોડો ડોલરનાં કૌભાંડમાં 21 ભારતીયોને 20 વર્ષ સુધીની કેદ

Tuesday 15th July 2025 06:51 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતનાં અમદાવાદ ખાતેનાં કોલસેન્ટરોમાંથી ચાલતાં ટેલિફ્રોડ સ્કેમમાં અમેરિકી સત્તાવાળાઓએ 21 ભારતીયોને 4થી 20 વર્ષની કેદ ફટકારી છે. ભારતસ્થિત કોલસેન્ટરોમાંથી ચાલતાં આ કૌભાંડના ભાગરૂપે આ કોલસેન્ટરો દ્વારા અમેરિકન નાગરિકો અને લીગલ ઇમિગ્રન્ટને સરકારને ન ચૂકવેલાં નાણાં માટે ધરપકડ, દેશનિકાલ, જેલ અને દંડ જેવી ધમકીઓ આપી નાણાં પડાવવામાં આવતાં હતાં. સજા પામેલા તમામ 21 ભારતીય કે ભારતીય મૂળનાં અમેરિકનો છે. તેમાંનાં કેટલાકને જેલની સજા પૂરી થયા પછી ભારત પરત મોકલી દેવાશે. આ તમામ અમદાવાદમાં આવેલાં કોલસેન્ટરો સાથે સંકળાયેલા હતા.
એક કેસમાં સૌથી વધુ ભારતીયને સજા
ટેક્સાસની ફેડરલ કોર્ટમાં પાંચ દોષિતોને સજાની સુનાવણી કરાઈ હતી. આ રીતે આ કૌભાંડમાં સજા મેળવનાર દોષિતોની સંખ્યા 24 પર પહોંચી છે. અમેરિકામાં પહેલી વાર એક સાથે એક જ કેસમાં આટલી સંખ્યામાં ભારતીયો કે ભારતીય મૂળનાં અમેરિકનોને સજા કરાઈ છે.
સજાની સુનાવણી કરતાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે જણાવ્યું હતું કે, આ કેસમાં કુલ 32 ભારતીય આરોપી છે. તેમાંના કેટલાક હજુ ભારતમાં જ હોવાથી તેમની સામે ખટલો ચલાવી શકાયો નથી.
ભારતના પાંચ કોલ સેન્ટરની સંડોવણી
આ કેસમાં ભારતનાં પાંચ કોલ સેન્ટરનાં નામ ખુલ્યાં હતાં. ભારતીય સત્તાવાળાઓએ આ કેસમાં અમેરિકાની સહાય કરતાં મુંબઈ પોલીસે એપ્રિલ 2017માં મુખ્ય ભેજાબાજો પૈકીના એક સાગર શેગી ઠક્કરની ધરપકડ કરી હતી. સાગર ઠક્કર કોલસેન્ટરના સહમાલિક એવા હાર્દિક પટેલના સંપર્કમાં હતો, જેને 15 વર્ષ કરતાં વધુની સજા ફટકારવામાં આવી છે.
નાણાં તરત ભારત મોકલી આપતા
એક વાર શિકાર પેમેન્ટ આપે કે અમેરિકામાં ભારતીય કોલસેન્ટરો વતી કામ કરતા લોકો રિલોડેબલ કાર્ડ અથવા વાયર ટ્રાન્સફર દ્વારા નાણા ભારત મોકલી આપતા હતા. આ માટે અમેરિકાસ્થિત તેમના એજન્ટો સ્ટોર્ડ રેલોડેબલ કાર્ડની ખરીદી કરતા અને તેનો નંબર ભારતસ્થિત ભાગીદારોને મોકલી આપતા. તેઓ અમેરિકી નાગરિકોની ઓળખનો દુરુપયોગ કરી આ કાર્ડની નોંધણી કરાવી લેતા. ત્યારબાદ આ નાણાં જે તે નાગરિકના નામે નોંધાયેલા કાર્ડમાં કૌભાંડની રકમ જમા કરાવતા અને અમેરિકા ખાતેના તેમના એજન્ટ મનીઓર્ડર ખરીદી લેતા હતા, ત્યારબાદ તે અન્ય વ્યક્તિનાં બેન્કખાતામાં જમા કરાવી દેવાતા હતાં.
દોષિતો કઇ રીતે ફ્રોડ કરતાં?
આ કૌભાંડીઓએ તાજેતરમાં જ અમેરિકામાં ઇમિગ્રન્ટ તરીકે ગયેલા અથવા તો વૃદ્ધ અમેરિકન નાગરિકોને પોતાનું લક્ષ્યાંક બનાવતા હતા. તેઓ પોતાને અમેરિકાની ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ અથવા યુએસ સિટીઝન એન્ડ ઇમિગ્રેશન સર્વિસના અધિકારી તરીકે કોલ સેન્ટરમાંથી કોલ કરાવતા હતા. કોલરને અમેરિકન આસેન્ટમાં અંગ્રેજી બોલવાની તાલીમ આપવામાં આવતી હતી. તેઓ સરકારને ચૂકવવા પાત્ર રકમ નહીં ચુકવો તો તેમને ધરપકડ, જેલ, દંડ, દેશનિકાલ જેવી ધમકી આપી નાણાં પડાવતા હતા. ડરી ગયેલી વ્યક્તિ એક વખત નાણાં ચૂકવવા તૈયાર થાય એટલે તેમને નાણા ચૂકવવાની પદ્ધતિ જણાવવામાં આવતી હતી.
દોષિતોમાં ગુજરાતીઓ વધુ
• સન્ની જોશી • મિતેશકુમાર પટેલ • ફહદઅલી • જગદીશ ચૌધરી • દિલીપ પટેલ • વિરાજ પટેલ • હર્ષ પટેલ • રાજેશ ભટ્ટ • ભાવેશ પટેલ • નિસર્ગ પટેલ • મોન્ટુ બારોટ • પ્રફુલ્લ પટેલ • દિલીપ એ. પટેલ • નિલેશ પંડયા • જેરી નોરિસ • રાજેશ કુમાર • હાર્દિક પટેલ • રાજુ પટેલ • અશ્વિન ચૌધરી • ભરત પટેલ • નિલમ પરીખ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter