ખંભાતઃ અમેરિકા સ્થિત લેખક અને ‘ગુજરાત સમાચાર’ની ‘દેશવિદેશે ગુજરાત’ના કટાર લેખક પ્રો. ચંદ્રકાંત પટેલ લિખિત પુસ્તક ‘ખંભાત દેશવિદેશે’નું લોકાર્પણ તાજેતરમાં નવાબી નગરી ખંભાતમાં યોજાયું હતું. લાયન્સ ક્લબ-કેમ્બેના ઉપક્રમે આયોજિત આ લોકાર્પણ કાર્યક્રમમાં અનુપમ મિશનના પ્રણેતા જશભાઈ સાહેબના હસ્તે આણંદના ભૂતપૂર્વ સાંસદ અને ‘નયા પડકાર’ દૈનિકના તંત્રી દીપકભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિમાં થયું હતું.
આશીર્વચન પાઠવતા જશભાઈ સાહેબે ખંભાતને સંસ્કારીનગરી ગણાવી કહ્યું હતું કે ખંભાતના અનેકવિધ નરરત્નોએ ખંભાતના વિકાસમાં મહામૂલું યોગદાન આપ્યું છે. આજની પેઢીને ખંભાતના નરરત્નોથી માહિતગાર કરવાનું ભગીરથ કાર્ય પ્રો. ચંદ્રકાંતભાઈ પટેલે કર્યું છે. તેમણે પ્રો. ચંદ્રકાંત પટેલને બિરદાવતાં જણાવ્યું કે સાયન્સ અને ટેકનોલોજીએ સુખ-સુવિધા આપી છે, પરંતુ માનવી સુખિયો નથી, તેનું કારણ માનવદોષ જોવાનો તેનો સ્વભાવ છે. માનવમાં રામ અને રાવણ બંને વસેલા છે એટલે કે તેનામાં દૈવી અને આસૂરી ગુણ રહેલા છે. તેમણે પ્રો. ચંદ્રકાંત પટેલને ભગવા વિનાના સાધુ લેખાવ્યા હતા.
દીપકભાઈ પટેલે ખંભાતના શ્રેષ્ઠીઓનો ઉલ્લેખ કરીને ખંભાતના વિકાસમાં તેઓના યોગદાનના બિરદાવ્યું હતું. લેખક પ્રો. ચંદ્રકાંત પટેલ પુસ્તક લખવાનો વિચાર કેવી રીતે આવ્યો તે વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે ખંભાત અત્યંત પ્રાચીન શહેર છે, જે ત્રંબાવટી અને કંકાવટી નામથી પ્રચલિત હતું. ખંભાત અનેક ચડતીપડતી પછી ફિનિક્સની જેમ બેઠું થયું છે તેનું કારણ ખંભાતનાં નરરત્નો છે. આ પુસ્તકની વિશિષ્ટતા એ છે કે પુસ્તકમાં જેમના ઈન્ટરવ્યુ લીધાં છે તેમાંના મોટાભાગના સ્વામીનારાયણ સંપ્રદાયની એક અથવા બીજી શાખામાં શ્રદ્ધા ધરાવે છે. મોટાભાગના મહાનુભાવો ઝવેરાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે ખંભાતના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપનાર બદરુદ્દીન તૈયબજી, અબ્બાસ તૈયબજી, મોતીચંદ શેઠ, રણજિતભાઈ શાસ્ત્રી, ભગવતીપ્રસાદ રાવ જેવા અનેક મહાનુભાવોને યાદ કર્યાં હતા.
આ પુસ્તકમાં નવીનચંદ્ર સુખડિયા, ભરતભાઈ સુખડિયા, ચંદ્રકાંત ઝવેરી, બંસીભાઈ પટેલ, શીના ઝવેરી વગેરે દેશવિદેશમાં વસતા ખંભાતના વતનીઓને આવરી લેવામાં આવ્યા છે. જશભાઈ સાહેબ અને દીપકભાઈ પટેલના હસ્તે ખંભાતના અગ્રણીઓને ‘ખંભાત દેશવિદેશે’ પુસ્તક અર્પણ કરાયું હતું. આ સમારંભમાં ખંભાત નગરપાલિકાના પ્રમુખ યોગેશ ઉપાધ્યાય, લાયન્સ ક્લબ કેમ્બેના પ્રમુખ કોકિલાબહેન બ્રહ્મભટ્ટ, મંત્રી કીર્તિબહેન પટેલ, ખંભાતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.


