અમદાવાદ: ગુજરાત પર છવાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વાતાવરણમાં પલટો આવતાં આઠમી અને નવમી જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ હતો. આઠમીએ વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડામાં સતત પાંચ મિનિટ વરસાદી ઝાપટાં પડયાં હતા. આઠમીએ ઉત્તર ગુજરાતમાં સવારે મોડાસા અને બાયડ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. મોડાસા શહેરમાં પણ સવારે હળવો વરસાદ થયો હતો.
નવમીએ પણ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, છોટા ઉદેપુર અને તાપી જિલ્લાના કુલ ૧૫ તાલુકામાં કમોસમી વરસાદ થયો હતો. શનિવારે સવારે ૬.૦૦ વાગ્યાથી બપોરે ૩:૦૦ વાગ્યા સુધી દેડિયાપાડા તાલુકામાં ૩ ઈંચ જેટલો વરસાદ થયો હતો. સુરતના ઉમરપાડામાં દોઢ ઈંચ અને નર્મદાના ગુરૂડેશ્વરમાં પોણો ઈંચ કમોસમી વરસાદ નોધાયો હતો. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદના પગલે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને કપાસના પાકને ભારે નુકસાન થયું છે.

