ચાંદોદ, કેવડિયા કોલોનીઃ દેશના પૂર્વ નાણાં પ્રધાન અને ગુજરાતના રાજ્યસભાના પૂર્વ સાંસદ અરુણ જેટલીનું ૨૪મીએ દિલ્હીમાં અવસાન થયું હતું. દેશ સહિત ગુજરાતમાં શોક હોવા સાથે કરનાળી ચાંદોદમાં વિશેષ શોક પ્રસર્યો હતો. કરનાળી ચાંદોદમાં અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપતાં દુકાનો એક દિવસ માટે બંધ રખાઈ હતી. કરનાળી ચાંદોદના ગ્રામજનોએ પોતાના સ્વજન અને વડીલ ગુમાવ્યાનું દુઃખ અનુભવ્યું છે કારણ કે કરનાળી ગામને અરુણ જેટલીએ ગુજરાતના રાજ્યસભાના સાંસદ હોવાને નાતે આદર્શ સાંસદ ગામ યોજના હેઠળ દત્તક લીધું હતું અને તેઓ અહીંયા ૩ વખત આવી ચૂક્યા હતા.
૨૦૧૭ની સાલના ફ્બ્રુઆરી મહિનામાં તેઓ કરનાળી ગામે આવ્યા હતા. તેઓએ નર્મદા નદીકિનારે આવેલા પ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિરે મહાદેવની આરતી પૂજા કરી હતી. પૂજા કર્યા બાદ તેઓે સોમનાથ ઘાટ ગયા હતા. સોમનાથ ઘાટના બ્યુટીફ્કિેશન અંગે જાણકારી મેળવી હતી. ત્યાં તેઓેએ શ્રીફ્ળ વધેરી પૂજન કર્યું હતું. અરુણ જેટલી સોમનાથ ઘાટના પૂજન બાદ નૌકાવિહાર કરી ચાંદોદ પણ ગયા હતા. પૂર્વ નાણા પ્રધાન અરુણ જેટલીએ કરનાળી ગામ ઉપરાંત પીપળીયા, બગલીપુર, ડિયા, અને તાજેતરમાં ચાંદોદ ગામને સાંસદ આદર્શ ગ્રામ યોજનામાં દત્તક લીધા હતા. ગામના યુવાનોએ જણાવ્યું કે જેટલીજીએ અમારા ગામના અનેક વિકાસના કામો કર્યાં છે. અમારે ત્યાં બેંક ન હતી ત્યારે અમારે નાવડીમાં બેસી ચાંદોદ જવું પડતું હતું અને ગામમાં એક પણ એટીએમ ન હતું, પરંતુ તેઓએ ઘરઆંગણે બેંક પણ ખોલી આપી તેમજ એટીએમની સગવડો કરી આપી છે. સોમનાથ ઘાટ, ચાંદોદ કરનાળી ને જોડતો નવો પુલ, સ્કૂલ, રસ્તા વગેરે અનેક સુવિધાઓ કરી આપી છે. ત્યારે તેઓના જવાથી અમે અમારા સ્વજન ગુમાવ્યા હોય એવું દુઃખ છે. જેટલી ગુજરાતમાંથી વર્ષ ૨૦૦૦થી ત્રણ ટર્મ રાજ્યસભાના સાંસદ રહ્યા હતા.
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે નવી દિલ્હીમાં અરુણ જેટલીના નશ્વર દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
લોકો કાળું નાણું જાહેર કરે તે માટે દેશના નાણા પ્રધાન તરીકે અરુણ જેટલીએ અમદાવાદમાં ઈન્કમ ટેક્સ ડેક્લેરેશન સ્કીમ (આઈડીએસ)ની વિધિવત્ રીતે જાહેરાત કરી હતી.
અરુણ જેટલીને અમદાવાદ સાથે પારિવારિક સંબંધો પણ રહ્યા. તેઓ ભાજપના પરિન્દુ ભગતના વેવાઈ થાય છે.


