ગાંધીનગરઃ આખરે કોંગ્રસના પૂર્વ ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા એમના વિશાળ યુવા સમર્થકોની જંગી મેદની સાથે ૧૮ જુલાઈએ વિધિવત્ રીતે ભાજપમાં સામેલ થયા હતા. ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાંથી રાજીનામાં ધરી અનેક આગેવાનો, સામાજિક નેતાઓએ પ્રવેશ મેળવ્યો છે, પરંતુ શ્રીકમલમ પ્રદેશ કાર્યાલય આટલી મોટી સંખ્યામાં કોઈ નેતાના સમર્થકો ઊમટી પડ્યા હોય એનું સાક્ષી લાંબા સમય પછી બન્યું હતું. ભાજપની કેડરમાં હવે આ યુવા શક્તિનો ગ્રાસ રૂટ લેવલ પર સમાવેશ અને એનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો નિર્ણય હવે પછી થશે, પણ અલ્પેશ ઠાકોર રાષ્ટ્રીય નેતૃત્વની ઉપસ્થિતિમાં આગામી ટૂંક સમયમાં પોતાનું શક્તિ પ્રદર્શન કરવાના છે એ નિશ્ચિત છે.
૧૮મીએ બપોરે પોતાના રાણીપ સ્થિત નિવાસસ્થાનેથી અલ્પેશ ઠાકોર અને બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રેલીના રૂપમાં પોતાના ઠાકોર સેનાના કાર્યકરો, આગેવાનો સાથે ભાજપ કાર્યાલયે આવી પહોંચ્યા ત્યારે ઢોલ-નગારા વગાડી કિશોરીઓથી લઈ વૃદ્ધ મહિલાઓએ કતારબદ્ધ ઊભાં રહી ગુલાબની પાંદડીઓની વર્ષા કરી અભિવાદન કર્યું હતું. ભાજપ કાર્યાલય સંકુલ અને આસપાસમાં જંગી મેદની વચ્ચેની બંને નેતાઓને આવતા ખાસ્સો સમય થયો હતો.


