અલ્પેશ ઠાકોર-હાર્દિક પટેલ સમાજમાં ખુલ્લા પડયા, પક્ષમાંથી કોરાણે મુકાયા

Monday 15th February 2021 15:23 EST
 
 

ગાંધીનગરઃ રાજકીય નિષ્ણાતોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાતાઓ અને ચૂંટણી પ્રચારના કાર્યક્રમો પરથી ક્યાસ કાઢ્યો છે કે, ભાજપમાં અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસમાં હાર્દિક પટેલ રીતસર કોરાણે થયા છે. એક સમયે આંદોલન કરનારા આ બંને માટે તેમના જ સમાજમાં હવે માન-સન્માન જેવું કંઈ નથી રહ્યું, બંનેના વિચારો ખુલ્લા પડી ગયાં છે. આ બાબતની જાણ ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષના મોવડીઓને પણ થઈ ચૂકી છે તેથી જ ભાજપ અલ્પેશ ઠાકોરને અને કોંગ્રેસ હાર્દિક પટેલને આગળ કરતાં નથી. બંને પક્ષોને અંદેશો આવી ગયો છે કે એક સમયના આંદોલનકારીઓથી પક્ષને ફાયદો નથી. બંનેમાં એવી કોઈ તાકાત નથી કે પોતાના પક્ષમાં વોટનો ફાયદો કરાવી શકે.
એકેય ટેકેદારને ભાજપની ટિકિટ નહીં
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોરના એક પણ ટેકેદારોને અમદાવાદ પાલિકાની મતદારી માટે ટિકિટ મળી નથી. ઠાકોર સમાજની પોતાના પાસે મોટી વોટ બેંક હોવાના બણગા ફૂંકતા અલ્પેશ ઠાકોરે પોતાના કેટલાક ટેકેદારોને કોર્પોરેશની ચૂંટણી લડવા માટે ટિકિટ અપાવવા ધમપછાડા કર્યાં હતાં, પરંતુ અલ્પેશને પૂરો કરવાના ઇરાદે ભાજપે તેને સાઇડ લાઇન કર્યો છે. ભાજપના નેતાઓ તેની એક પણ વાત માનવા તૈયાર નથી. જો જરૂર પડશે તો ઠાકોર સમાજમાંથી જ બીજા કોઇ મોટા માથાને લાવીને નેતા બનાવવામાં આવશે, પરંતુ અલ્પેશને તો નહીં જ તેમ ખુદ ભાજપના સૂત્રો કહે છે. બીજી તરફ અલ્પેશથી તેના જ સમાજના મોટાભાગના લોકો નારાજ છે.
હાર્દિક કદ પ્રમાણે વેતરાયો
ગુજરાત કોંગ્રેસના નેતાઓ હાર્દિક પટેલનું જરાય માનતા નથી જેથી હાર્દિક રિસામણે હોવાની કોંગ્રેસ ભવનમાં ચર્ચા છે. કોંગ્રેસના પ્રદેશના અમિત ચાવડા સહિતના નેતાઓને હાર્દિકની કોઈ ગણતરી જ નથી એવું સ્પષ્ટ દેખાઈ પણ આવે છે. ૧૧મી ફેબ્રુઆરીએ પાલડી સ્થિત પ્રદેશ કાર્યાલયે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો બહાર પાડયો હતો ત્યારે મંચ પર સિનિયર-જુનિયર નેતાઓ ગોઠવાઈ ગયા હતા. એ પછી હાર્દિક આવ્યો ત્યારે તેના માટે કોઈ જ ખુરશી ખાલી નહોતી, એક તબક્કે એઆઈસીસીના સહપ્રભારીને બોલ્યો કે, ખુરશી તો હૈ નહીં, યહાં મુજે ક્યોં લે કે આયે? એ પછી પણ તેની સામે આંખ આડા કાન જ કરાયા હોવાનું દેખાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter