અમદાવાદઃ લોકસભાની ચૂંટણી સમયે બગાવતી સૂરે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના વિવિધ હોદ્દા ઉપરથી ૨૫મીએ છેડો ફાડયો હતો. હવે લોકસભાનું મતદાન પૂરું થતાં કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી દૂર કરવા વિધાનસભામાં અરજી કરી છે. ૨૫મીએ વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક અશ્વિન કોટવાલ અને ધારાસભ્ય બળદેવ ઠાકોરે આ અરજી વિધાનસભામાં જમા કરાવી છે.
કોંગ્રેસે રાધનપુરના ધારાસભ્ય પદેથી અલ્પેશ ઠાકોરને દૂર કરવા માટે જે અરજી કરી છે તેમાં જણાવ્યું છે કે, અલ્પેશે કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડયો છે. એટલું જ નહિ લોકસભાની ચૂંટણી સમયે બનાસકાંઠા અને ઊંઝામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ આચરી છે. કોંગ્રેસ પક્ષના નિશાન હેઠળ ધારાસભ્ય પદે ચૂંટાયા હોવા છતાં ગેરશિસ્ત આચરી છે અને કોંગ્રેસના ઉમેદવાર વિરુદ્ધ પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ પક્ષે પણ આ પ્રવૃત્તિ બદલ અલ્પેશને પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરવાનો નિર્ણય કર્યો છે.


