અમદાવાદ: ભાજપ સરકાર સામે બાંયો ચડાવીને આંદોલન કરનારા અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીએ આખરે ચૂંટણીમાં ઝુકાવ્યું છે. ઓબીસી અને દલિત પ્રજા માટે જંગે ચડનારા બંને જાહેરભાઓમાં ગાજતા રહ્યા કે ચૂંટણી લડશે નહીં, પણ હવે બંનેએ ફેરવી તોળ્યું છે. બંનેને ધારાસભ્ય પદ જોઈએ છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યા બાદ ખાસ કરીને ઠાકોર સેનાના કેટલાક હોદ્દેદારોને ટિકિટ અપાવવામાં મહત્ત્વનો રોલ ભજવ્યો છે. અલ્પેશ ઠાકોરે અત્યાર સુધી જાહેર સ્ટેજ પરથી કહ્યું કે, હું ક્યારેય ચૂંટણી લડવાનો નથી પણ કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યા બાદ ધારાસભ્ય બનવાનો જાણે એકમાત્ર ધ્યેય હોય તેમ ટિકિટ મેળવવામાં જ રચ્યાપચ્યા રહ્યા હતા. આ જ પ્રમાણે જીજ્ઞેશ મેવાણીએ પણ એક રટણ કર્યું હતું, હું ચૂંટણી લડવાનો નથી પણ ફોર્મ ભરવાના અંતિમ દિવસે ૨૭મીએ તેણે વડગામ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડવા ફોર્મ ભર્યું હતું. આમ આ બંને યુવાઓએ આખરે આંદોલનના બહાને લોકપ્રિય થઈને આખરે રાજકારણમાં ઝંપલાવ્યું છે.

