અશોક ગેહલોતની જીભ લથડીઃ ગુજરાતીઓને દારૂડિયા કહ્યાં!

Wednesday 09th October 2019 06:02 EDT
 
 

ઉદયપુર: રાજસ્થાનમાં દારૂબંધી લાદવા અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે રવિવારે કહ્યું કે, હું વ્યક્તિગત રીતે દારૂ પર પ્રતિબંધ લગાડવાના પક્ષમાં છું, પરંતુ પ્રતિબંધ લગાડવાથી ગેરકાયદે તેનું વેચાણ થશે. આવી પરિસ્થિતિમાં રાજ્યમાં તેને પ્રતિબંધિત ન કરી શકાય. દારૂ પર ૧૯૭૭માં પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો, પરંતુ તે નિષ્ફળ નીવડ્યો હતો. આ પછી ગેહલોતે ગુજરાતમાં દારૂબંધી અંગે સવાલ ઊભા કરીને કહ્યું કે ભારતના દરેક રાજ્યો કરતાં સૌથી વધારે દારૂ ગુજરાતમાં પીવાય છે. હું ગુજરાતમાં એક વર્ષ સુધી હતો. અહીં આઝાદી બાદથી દારૂબંધી છે, પણ ગુજરાતમાં સૌથી વધારે દારૂ પીવાય છે. દરેક ઘરમાં પીવાય છે. આ મહાત્મા ગાંધીના ગુજરાતની સ્થિતિ છે.
ગાંધી-સરદાર ગમતા નથી અને મોદી ખૂંચે છેઃ રૂપાણી
ગેહલોતે ગુજરાતમાં દારૂબંધી અંગે નિવેદન કર્યા પછી ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત ગુજરાત ભાજપે તેને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દીધો છે. વિજય રૂપાણીએ આ અંગે કહ્યું હતું કે, ગેહલોતે ગુજરાતીઓને દારૂડિયા કહ્યા તે ગુજરાતનું અપમાન છે. ગેહલોતે ગુજરાતની માફી માગવી જોઈએ. બીજી બાજુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું કે, ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય એટલે શું? ગુજરાતના કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો પણ દારૂ પીવે છે? દારૂડિયા છે? રૂપાણીએ કહ્યું કે, ગેહલોતના નિવેદન સામે ગુજરાત કોંગ્રેસ જવાબ આપવો જોઈએ. ગેહલોતે ગુજરાતીઓની માફી માગવી પડે, રાજસ્થાનના મુખ્ય પ્રધાન ગેહલોત કોંગ્રેસ ગુજરાતની ચૂંટણી જીતાડી શક્યા નહીં એટલે ગુજરાતીઓ પર ગમે તેવા આક્ષેપ કરે તો તેમને શોભતું નથી. અલબત્ત, ગુજરાતીઓ કોંગ્રેસને માફ કરશે નહીં.
રૂપાણીએ કોંગ્રેસની નીતિને નિશાન બનાવતા કહ્યું કે, કોંગ્રેસ ગાંધી-નહેરુ પરિવારની ભક્તિમાંથી બહાર નીકળતી નથી. કોંગ્રેસ મહાત્મા ગાંધી ગમતા નથી, સરદાર પટેલ પણ ગમતા નથી, કોંગ્રેસને મોદી તો આંખના કણાની જે ખૂંચે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter