અમદાવાદઃ ગોધરાકાંડમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના બે ચહેરા બની ગયેલા અશોક મોચી અને કુતબુદ્દીન અન્સારી એકમેકના જિગરી દોસ્ત છે.
અમદાવાદના દિલ્હી દરવાજા રોડ પર અશોક મોચીએ ચંપલની દુકાન શરૂ કરી તેનું ઉદઘાટન કુતબુદ્દીનના હસ્તે કરાવ્યું છે. દિલ્હી દરવાજા પાસે એકતા ચંપલ ઘર નામે દુકાન શરૂ કરવામાં કન્નુરના સાંસદ પી. જયરાજ અને સીપીઆઇ (એમ)એ મદદ કરી છે. તેમાં સામાજિક કાર્યકર કલીમ સિદ્દીકીની મહત્ત્વની ભૂમિકા છે.
અશોકે જણાવ્યું હતું કે, મને સીપીઆઇએ કેરળમાં સ્થાયી થવાની ઓફર કરી હતી જે માટે તમામ મદદની બાંહેધરી આપી હતી. જોકે ભાષાના કારણે મેં ઓફર નકારી હતી. કુતબુદ્દીને કહ્યું હતું કે, લગ્નની વાત નીકળે તો અશોક કહેતો રોડ પર કામ કરનારાને કોણ છોકરી આપે. હવે અશોક દુકાનદાર બની ગયો છે ત્યારે મારી ઇચ્છા એવી છે કે તે ઠરીઠામ થાય.
‘તોફાને સારો મિત્ર આપ્યો’
૨૦૦૨ના તોફાનો અંગે કુતબુદ્દીન અન્સારીના અનુભવો વિશેના પુસ્તકનું કેરાલામાં યોજાયેલા વિમોચન કાર્યક્રમમાં અશોક મોચીને આમંત્રણ અપાયું હતું. અશોકે કહ્યું કે, મે કુતુબભાઈના પુસ્તકનું વિમોચન કર્યું હતું.
હવે ઇશ્વરે મને તક આપી ત્યારે મે તેમના હાથે જ મારી દુકાનનું ઉદઘાટન કરાયું છે. મને ગોધરાના તોફાનોએ એક સારો હિતેચ્છુ મિત્ર આપ્યો છે.

