અમદાવાદઃ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં મુસાફરોને પડતી હાલાકી અને અસુવિધા અંગેની ફરિયાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચતાં ફરિયાદોને ગંભીરતાથી લઈને મોદીએ અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલને હકીકત ચકાસવા સૂચના આપી હતી. મોદીની સૂચનાથી પરેશ રાવલે ૧૯મી જૂને રાત્રે એરપોર્ટની ઓચિંતી મુલાકાત લીધી હતી અને બે કલાક સુધી નિરીક્ષણ કરીને ફરિયાદની વિગતો ચકાસી હતી. ૨૦મીએ રાવલે એરપોર્ટ ડાયરેક્ટર એ. કે. શર્મા સહિત અન્ય સંલગ્ન અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
આ ચર્ચામાં ઓથોરિટીએ એક મહિનામાં મોટા ભાગની સમસ્યાઓનો નિકાલ કરવાની બાંયધરી આપી હોવાનું જાણવતાં એરપોર્ટ એડવાઇઝરી કમિટીના સભ્ય ચિરાગ પટેલે ઉમેર્યું હતું કે, એરપોર્ટ પર અવ્યવસ્થા અંગે કમિટીને પણ અનેક ફરિયાદ મળી છે. ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ ટર્મિનલમાં ઠેર ઠેર ગંદકી જોવા મળે છે. ટર્મિનલમાં એક ટોઈલેટ હોવાથી ત્યાં પણ ઘણીવાર પ્રવાસીઓની લાઈન લાગે છે જેથી વોશરૂમમાં પૂરતી સફાઈ હોવા છતાં દુર્ગંધથી લોકો પરેશાન થઈ જાય છે.
ટર્મિલનમાં પેસેન્જરોની સંખ્યા વધતાં તેમને બેસવા માટે મૂકવામાં આવેલી ખુરશીઓ ઓછી પડે છે અને તેના કારણે અનેક લોકોને ઉભા રહેવાની ફરજ પડે છે. આવી સ્થિતિ પાર્કિંગ વ્યવસ્થાની પણ છે, જ્યાં પ્રવાસીઓને એરપોર્ટ પર લેવા-મૂકવા આવનારા માટે કોઈ સુવિધા નથી.


