અમદાવાદઃ આઇએએસ અધિકારી ગૌરવ દહિયા પ્રકરણમાં હવે દિલ્હીની પીડિતાએ ન્યાય માટે રાજ્ય મહિલા આયોગના દ્વાર ખખડાવ્યા છે. રાજ્ય સરકારે રચેલી તપાસ કમિટીના અહેવાલ આધારે ગૌરવ દહિયાને સસ્પેન્ડ કર્યા હોવા છતાંય પીડિતાને સંતોષ નથી. પીડિતાની માગ છેકે, દહિયાને બરતરફ કરો. તેણે આઇએએસની ગરિમા જાળવી નથી.
રાજ્ય મહિલા આયોગ સમક્ષ પુરાવા રજૂ કરી પીડિતાએ સ્પષ્ટપણે કહ્યું કે, આ મારી અને દહિયાની જ દીકરી છે. હું ડીએનએ ટેસ્ટ કરાવવા તૈયાર છું. જો ટેસ્ટ ખોટો હોય તો સરકાર જે સજા આપે તો ભોગવવા ય મારી તૈયારી છે. હું મારી પુત્રીના હક અને ન્યાય માટે છેલ્લી ઘડી સુધી લડીશ. તેણે રાજ્ય પોલીસ વડાને મળીને ગૌરવ દહિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા અરજી આપી હતી.
આઠ મહિનાની પુત્રી સાથે ગાંધીનગર આવી પહોંચેલી યુવતીએ ચોંકાવનારી વિગતો કહી કે, ગૌરવ દહિયા સાથે દિલ્હી અને મસુરીમાં મારી મુલાકાત થઇ હતી. તેઓ વિદેશમાં હોય તો પણ મને વારંવાર ફોન કરતાં હતાં.
દહિયાએ પ્રથમ પત્ની સાથે ડિવોર્સ લીધાં છે તેમ કહીને લગ્ન કર્યા હતાં. જયારે ખબર પડી કે, દહિયાએ પ્રથમ પત્ની સાથે ડિવોર્સ લીધા નથી ત્યારે આ મુદ્દે ચૂપ રહેવા ધમકી આપતા હતા. એટલુ જ નહીં, ઘણી વાર તો બંદૂક લઇને ડરાવતાં હતાં. જયારે આ વાતને લઇને ઝઘડો થયો ત્યારે તેમણે ખોટા વકીલ અને દસ્તાવેજો દેખાડયા હતાં.
યુવતી અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર પોલીસ ભવન પહોંચી હતી જ્યાં તેણે દહિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા અરજી આપી હતી ત્યારબાદ તે રાજ્ય મહિલા આયોગ પહોંચી હતી. ત્યાં તેણે લગભગ દોઢેક કલાક સુધી અધ્યક્ષ લીલાબહેન અંકોલિયા સક્ષમ આપવીતી કહી હતી. તેણે આક્ષેપ કર્યો હતો કે, જયારે મેં દીકરીને જન્મ આપ્યો ત્યાર બાદથી અમારા વચ્ચે સબંધો વણસ્યા હતાં.


