આ વખતે રાજ્યમાં ચોમાસુ નબળું હોવાની આગાહીઃ ૨૦ જુલાઇથી વરસાદ

Tuesday 14th May 2019 14:49 EDT
 
 

અમદાવાદઃ એક બાજુ આ વર્ષે ઓછા વરસાદને લીધે ગુજરાતભરમાં પીવાના પાણીની તંગી સર્જાઇ છે. ભરઉનાળે ડેમ ખાલીખમ છે. હવે ચોમાસા પર જ બધું નિર્ભર છે ત્યારે ભડલીવાક્યો, ગ્રહ-નક્ષત્રોની યુતિ અને વનસ્પતિના લક્ષણોના આધારે આગાહીકારોએ આગાહી કરી છે કે, ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ પ્રમાણમાં નબળું રહેશે. એટલું જ નહીં, ૧૫મી જૂનથી નહીં પણ ૨૦મી જુલાઇએ વરસાદનું ગુજરાતમાં આગમન થવાના એંધાણ છે.
વરસાદનો વરતારો
વરસાદના ગર્ભ, હુતાસણીના પવન અને અખાત્રીજના પવનના આધારે વરસાદનો એવો વરતારો છે કે, ચોમાસાની શરૂઆતમાં જ વરસાદ ખેંચાશે. ૧૫મી જુલાઇથી ગુજરાતમાં મધ્યમસર વરસાદના યોગ છે. ૧૫મી સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં સારો વરસાદ વરસી શકે છે.
આ વર્ષે દેશના ઘણાં ભાગોમાં અલ્પવૃષ્ટિ-ખંડવૃષ્ટિ જયારે અમુક ભાગમાં મધ્યમ વરસાદ વરસશે.
કચ્છમાં સારા વરસાદનાં એંધાણ
કચ્છમાં આ વખતે સારો વરસાદ પડે તેવા એંધાણ છે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મધ્યમ પ્રમાણમાં વરસાદ વરસશે. જેઠ માસમા ચોમાસુ નબળું રહેશે પણ ભાદરવામાં વરસાદ મન મૂકીને વરસી શકે છે.
સૂર્ય-મંગળની યુતિના અંગારક યોગ હોવાથી વરસાદની ખેંચ થઇ શકે છે. આ વખતે ખેડૂતો માટે માઠા સમાચાર છે કે, વાવણીલાયક વરસાદ થાય તેમ નથી. ટૂંકમાં ગુજરાતમાં ૪૦-૫૦ ટકા વરસાદ પડે તેવા યોગ છે. ૨૦મી ઓક્ટોબરે વરસાદ ગુજરાતમાંથી વિદાય લેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter