આંખોમાં હરખ અને હોઠો પર આભાર

Thursday 03rd March 2022 05:22 EST
 
 

યૂક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઈને આવેલી પહેલી બે ફ્લાઈટ મારફતે મુંબઈમાં 44 અને દિલ્હીમાં 32 મળીને ગુજરાતના કુલ 76 વિદ્યાર્થીઓ પરત ફર્યા હતા. સુરત, વડોદરા, વાપી, વલસાડ, અમદાવાદ, રાજકોટ, જામનગર સહિત વિવિધ શહેરોમાં રહેતા વિદ્યાર્થીઓ ઘરે પરત ફરતા લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. વિદ્યાર્થીઓને પરત વતન લાવવા માટે ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રસ લઈને જે ત્વરિત પગલાં લીધા તેનાથી વાલીઓ ગદગદિત થઈ ગયા હતા અને વડા પ્રધાનનો દિલથી આભાર માન્યો હતો. યુદ્ધની કપરી પરિસ્થિતિમાંથી બચીને આવેલા બાળકોને જોઈને પરિવારજનોના જીવમાં જીવ આવ્યો હતો. લાડકવાયાઓને હેમખેમ આવેલા જોઈને ઘણા વાલીઓની આંખમાંથી હરખના આસું છલકાઈ ગયા હતા. ઘણી જગ્યાએ તો બાળકોને ગળે ભેટીને પરિવારજનો બોલી ઊઠ્યા હતા. ‘મારા લાડકવાયાને ઘણી ખમ્મા...’ તો યૂક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓના મોંએ એક જ શબ્દો હતાઃ અમે નસીબદાર છીએ કે હેમખેમ આવી ગયા, પણ હજુ અમારા મિત્રો ફસાયેલા છે, અત્યારે યૂક્રેન બોર્ડર પર ભારતીયો અને યુક્રેનિયન લોકો માટે બહુ મુશ્કેલ સ્થિતિ છે. વડોદરા, રાજકોટ, સુરત સહિતના વિદ્યાર્થીઓ સુખરૂપ પરત ફરતાં લાગણીસભર દશ્યો સર્જાયા હતા. વેસ્ટર્ન યૂક્રેનમાં આવેલા ચાર્નિવેત્સી શહેરના બુકોવના સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પ્રથમ બેચ રવિવારે વડોદરા આવી પહોંચી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમને તો રોમાનિયાથી બસ લેવા આવી હતી જેથી અમે સહેલાઇથી પહોંચી ગયા હતા. જોકે ત્યાર પછી યૂક્રેનના નાગરિકો પણ રોમાનિયા તરફ જતા હોવાથી ઘણાં વિદ્યાર્થીઓને ચાલતા નીકળવાનો વારો આવ્યો છે અને વિદ્યાર્થીઓ બોર્ડર પર ફસાઇ ગયા છે.

-

‘કિવ છોડતા પહેલાં જ ફસાયા’
‘હું ડિસેમ્બરમાં મેડિકલનો અભ્યાસ કરવા આવી હતી. અમે કિવ છોડીએ તે પહેલા જ ફસાઇ ગયા છીએ. અમારી પાસે થોડો લોટ, ચોખા પડયા છે જે ત્રણ દિવસ ચાલશે. બે-ત્રણ પેકેટ વેફર પડી છે જે રસ્તામાં અન્ય દેશની બોર્ડર પર જતા સમયે કામ લાગે તે માટે રહેવા દીધી છે. તમામ ડિપાર્ટમેન્ટલ સ્ટોર બંધ છે, એટીએમ પણ બંધ છે. હોસ્ટેલમાં પાણી નથી, બહાર નીકળીને ભરવા જવું પડે છે. જોકે બહાર નીકળ્યા તો પણ પાણી મળ્યું નથી. હવે માત્ર બે બોટલ પાણી છે. ભારતીય સમય પ્રમાણે 4.30 વાગ્યે હોસ્ટેલ પાસે મિસાઇલ હૂમલો થતાં અમે બધા બંકરમાં જતા રહ્યા છીએ. વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી બંકરમાં બેસવું પણ મુશ્કેલ છે. ભારતીય એમ્બેસીમાં કોઇ સંપર્ક થઇ રહ્યો નથી. અમને અહીથી બહાર કાઢો તેવી વિનંતી છે.’ - ખુશનુમા પઠાણ (વતન - વડોદરા)

-

‘30 કિમી ચાલીને અમે પોલેન્ડ સરહદે પહોંચ્યા’
અમે બે લક્ઝરી બસમાં 98 ભારતીયો રાત્રે નવ વાગ્યે નીકળ્યા હતા અને બીજા દિવસે સવારે આઠ વાગ્યે અમને ભારે ટ્રાફિકના કારણે પોલેન્ડ સરહદથી ત્રીસેક કિમી દૂર ઉતારી દીધા હતા. અમે બધા માઇનસ ચાર ડિગ્રી ટેમ્પરેચરમાં બધો સામાન ઊંચકને પગપાળા પોલેન્ડ સરહદે પહોંચ્યા હતા. અહીં મોટી સંખ્યામાં ભારતીયો ઉપરાંત બીજા અનેક દેશના યુવાનો પણ એકત્ર થયેલા છે. અહીં રહેવા-જમવાની કોઇ સગવડ નથી અને રૂપિયા પણ મર્યાદિત છે એટલે ક્યાં સુધી તે ચાલશે તે ખબર નથી. - શ્યામ કાછીયા (વતન - પેટલાદ)

- 

‘જો હુમલો થાય તો શું?’
‘અમે હાલ ઓડેસામાં સુરક્ષિત છીએ. મારી સાથે ગોંડલ અને જામનગરના વિદ્યાર્થીઓ પણ છે. અહીં ૨૪ કલાકથી શાંતિ છે, કોઈ બોમ્બમારો નથી. અહીં એમ્બેસીએ ભારતીય વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈન જાહેર કરી છે. જોકે મદદ અમારે યૂક્રેન બોર્ડર સુધી પહોંચવું પડશે, જે અમારા સ્થાનથી ૮૦૦ કિમી દૂર છે અને જો હુમલો થાય તો શું? તે વાતનો ડર છે.’ - હર્ષ સોની (વતન - રાજકોટ)

-


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter