આંદામાનમાં હેવલોક ટાપુ પર વાવાઝોડુંઃ ૨૦૦ ગુજરાતીઓનો આબાદ બચાવ

Wednesday 14th December 2016 06:29 EST
 
 

અમદાવાદઃ આંદામાનથી ૪૧ કિમી દૂર આવેલા હેવલોક ટાપુ પર રવિવારે વાવાઝોડું ત્રાટકતાં ૪૮ કલાક સુધી સતત મૂશળધાર વરસાદ વરસી રહ્યો હતો અને દરિયો તોફાની બન્યો હતો. આ વાવાઝોડામાં હેવલોક ટાપુની હોટલોમાં અંદાજે ૨૦૦ ગુજરાતી પ્રવાસીઓ અટવાયાં હતા. પ્રવાસીઓને બચાવવા માટે પોર્ટ બ્લેરથી નેવીના જહાજો જોકે રવાના કરાયા હતા.
હેવલોક ટાપુ પરથી અમદાવાદના રાણિપના રહીશ અંકિત પટેલે કહ્યું હતું કે, રાણીપના છ જણાનું અમારું ગ્રુપ હોટલમાં અટવાયું છે અને પરિસ્થિતિ વિષમ છે. અમારી સાથે અમદાવાદના જ અન્ય ૧૫-૨૦ પ્રવાસીઓ છે. હોટલમાં પાણી-ખાણી પીણી ખૂટે તેવી સ્થિતિ છે. મોબાઇલ નેટવર્ક જામ છે. માંડ માંડ અમદાવાદ પરિવારજનો સાથે વાતચીત થઇ શકી છે. ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં હળવા દબાણને કારણે અંદમાન -નિકોબાર નજીક આ વાવાઝોડું સર્જાયું હતું. બંગાળની ખાડીમાં આ વર્ષે સર્જાયેલું આ ચોથું વાવાઝોડું હતું. અગાઉ રોઆનુ, ક્યાંત અને નાડા નામનાં વાવાઝોડાએ દક્ષિણ ભારતનાં કાંઠા વિસ્તારોને ઘમરોળ્યા હતા.
તમામ ૨,૩૭૬ને બચાવાયાં
ઇન્ડિયન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટે ૧૨મીએ અહેવાલ જાહેર કર્યો હતો કે, હેવલોક ટાપુ પર ફસાયેલા ૨૦૦ જેટલા ગુજરાતીઓ સહિત તમામ ૨૩૭૬ પ્રવાસીઓને બચાવીને દિલ્હી અને અન્ય સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે. ફસાયેલા લોકોને હવાઈ અને દરિયા માર્ગે સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. છ ભારતીય નેવીનાં જહાજો, કોસ્ટગાર્ડનાં ત્રણ જહાજોની મદદથી પ્રવાસીઓને બચાવવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter