આઇફોન તેનું 25 ટકા ઉત્પાદન ભારતમાં કરવા તત્પરઃ ગોયલ

Thursday 26th January 2023 12:13 EST
 
 

ગાંધીનગરઃ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે સોમવારે બી-20 ઇન્સેપ્શન મિટિંગના ઉદ્ઘાટન સત્રને સંબોધતાં કહ્યું કે, ભારતે અનેક વિપરિત પરિસ્થિતિઓ વચ્ચે નક્કર વિકાસ કર્યો છે. આજે ભારત વિશ્વમાં સૌથી આશાસ્પદ અર્થતંત્ર છે એનુ કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત 4 ‘આઇ’ એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાગત સુવિધા), ઇન્ટિગ્રિટી (પ્રામાણિકતા), ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ (સર્વસમાવેશક વિકાસ) અને ઇન્ટરનેશનલ આઉટલૂક (આંતરરાષ્ટ્રીય સંભાવનાઓ)માં રોકાણ ક૨વા ધ્યાન કેન્દ્રીત કરે છે, જેથી ભારતીય અર્થતંત્રોને ઉડાન ભરવા પાંખો મળે.
ગોયલે કહ્યું હતું કે, ભારતમાં વ્યવસાય અર્થે આવેલા તમામ પ્રકારના વ્યવસાયોને હંમેશા સફળતા મળી છે. ભારત કાયદાનું શાસન પૂરું પાડે છે, તેનું નેતૃત્વ પ્રેરક અને નિર્ણાયક ક્ષમતા ધરાવે છે, સરકારની નીતિઓ પારદર્શક છે, કોઈ અસ્પષ્ટ મોડલ નથી અને કોઈ છૂપી સબસિડીઓ નથી.
તેમણે બ્રિટિશ કંપની જેસીબીનું ઉદાહરણ ટાંક્યું હતું, બ્રિટનમાં પાંચ રાષ્ટ્રોમાં નિકાસ કરતી કંપની ભારતમાં ઉત્પાદન શરૂ કર્યા પછી 110 દેશોમાં નિકાસ કરતી કંપની બની શકી છે. એ જ રીતે આઇફોન બનાવતી એપલ કંપની ભારતમાં પાંચથી સાત ટકા ઉત્પાદન ધરાવે છે અને તેના ઉત્પાદનનો હિસ્સો વધારીને 25 ટકા ભારતમાં કરવાની યોજના ધરાવે છે.

આ તકે તેમણે એમ પણ કહ્યું કે, ત્રીસ વર્ષ પહેલાંનું ભારત 12 ગણું વધ્યું છે અને જો આ જ ગતિ જળવાશે તો 2047માં ભારત સૌથી વિકસિત રાષ્ટ્ર બની રહેશે. કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સમાજના દરેક વર્ગ સુધી અને દેશના અંતરિયાળ વિસ્તારોમાંસર્વસમાવેશક વૃદ્ધિના લાભ પહોંચાડવા સરકારે પરિવર્તનકારક પગલાં લીધા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter