આઇસીયુમાં યુવતી પર બળાત્કારઃ પાકિસ્તાની ડોક્ટરની અટકાયત

Wednesday 14th September 2016 08:59 EDT
 

ગાંધીનગરઃ અમદાવાદ શહેર નજીક ગાંધીનગરની સરહદે આવેલી એપોલો હોસ્પિટલમાં ગત રરમી ઓગસ્ટે ડેન્ગ્યુની સારવાર માટે દાખલ થયેલી યુવતી પર રાત્રે હોસ્પિટલમાં ફરજ બજાવતાં કર્મચારી ચંદુ ઉર્ફે ચંદ્રકાંત ગોવિંદભાઈ વણકર તેમજ તબીબ ડો. રમેશ ભુરાલાલ ચૌહાણ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પછી સ્થાનિક પોલીસે યુવતીની પૂછપરછ કરી હતી અને તેની મેડિકલ તપાસ કરાવી હતી. મેડિકલ રિપોર્ટમાં બંનેએ યુવતી સાથે છેડતી બાદ દુર્વ્યવહાર કર્યાનું બહાર આવ્યું હતું. પોલીસે આ બન્ને આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા.
કોર્ટ દ્વારા બન્ને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. એ પછી કોર્ટે બન્ને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનું ફરમાન કર્યું હતું.
દરમિયાન પોલીસની તપાસમાં આરોપી તબીબ રમેશ ચૌહાણ મૂળ પાકિસ્તાની હોવાનું બહાર આવ્યું છે. વળી તેની પાસે અમદાવાદ જિલ્લા સિવાય અન્ય કયાંય કામ કરવાની પરવાનગી પણ નથી જ્યારે એપોલો હોસ્પિટલ ગાંધીનગર જિલ્લા સરહદમાં આવે છે. પોલીસે આ મુદ્દે જણાવ્યું છે કે, આરોપી તબીબ સામે ફોરેન એકટની કલમ ૧૪ લગાડવા માટેની પણ તજવીજ હાલમાં શરૂ કરવામાં આવી છે.
અન્ય પાકિસ્તાની તબીબોની પણ પૂછપરછ
એપોલો હોસ્પિટલમાં મૂળ પાકિસ્તાની નાગરિક એવા ડોક્ટરે દુષ્કર્મ આચર્યું તે કેસની તપાસમાં એવી હકીકત ખૂલી છે કે આ હોસ્પિટલમાં અન્ય પાકિસ્તાની ડોકટરો પણ ફરજ બજાવી રહ્યા છે. હવે આ કેસમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પણ સક્રિય થઇ હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ પણ અન્ય સ્થળે અને અન્ય પ્રકારના કિસ્સામાં મૂળ પાક.ના નાગરિક એવા ડોક્ટરની સંડોવણી હોવાનું ખૂલ્યું હતું. તે સંદર્ભમાં આઇબી હવે રહી રહીને જાગી છે તેમ ચર્ચાઇ રહ્યું છે. એ બાબત પણ જાણવા મળી છે કે આ હોસ્પિટલમાં ઓછા પગારે પાકિસ્તાનથી ડોકટરોને વિઝા પર કામે બોલાવવામાં આવે છે. આરોપી ડોક્ટર રમેશ ચૌહાણ વર્ષ ૨૦૧૪થી ભારતમાં વિઝા પર વસવાટ કરી રહ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter