અમદાવાદઃ સરદાર પટેલ એરપોર્ટ પર હરિદ્વારથી આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી પાસે અદાણી કંપનીના કર્મચારીઓએ ગાડી પાર્કિંગ ચાર્જ માગ્યો હતો, જેનો તેમણે હોબાળો કરી વિરોધ કર્યો હતો. અદાણી કંપની દ્વારા ગાડીના પાર્કિંગ ચાર્જ મામલે અગાઉ પણ હોબાળો થયો છે. એરપોર્ટ પર ગાડી અંદર લાવવાના પૈસા માંગતા પ્રહલાદભાઈ મોદીએ વિરોધ કર્યો હતો.
આ મામલે પ્રહલાદ મોદીએ જણાવ્યું કે, આગામી દિવસોમાં જો પાર્કિંગ ચાર્જ રૂ. ૯૦ બંધ નહીં કરે તો મામલે અદાણી સામે આંદોલન કરીશ. જો ગાડી જમા લેશે તો કોર્ટમાં જવાની પણ તેઓએ ચીમકી ઉચ્ચારી રાજ્ય સરકારને હસ્તક્ષેપ કરવા કહ્યું છે.
અમદાવાદ એરપોર્ટ પર અદાણી કંપનીના કર્મચારી દ્વારા પાર્કિંગ ચાર્જ માગવા બાબતે પ્રહલાદ મોદીએ જણાવ્યું કે, અદાણી દ્વારા એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જ નામે લૂંટવાનો આ ધંધો છે અને આ ચાર્જ બાબતે મારો વિરોધ છે. રાજ્ય સરકારે આ બાબતે હસ્તક્ષેપ કરવો જોઈએ. ગાડીને અંદર લાવવાના પૈસા માગવામાં આવ્યા હતા. મારી ગાડી અંદર આવી હતી અને હું ગાડીમાં બેસી ગયો અને બહાર નીકળ્યો હતો. ગાડી અંદર આવી એના પૈસા માગ્યા હતા. આગામી દિવસોમાં આ લૂંટ બાબતે હું આંદોલન કરવાનો વિચાર કરું છું. ફલાઈટમાં આવતા પેસેન્જરોની માહિતી મેળવી રહ્યો છું. જે દિવસે મારુ ગ્રૂપ બની જશે ત્યારે હું આ બાબતે આંદોલન કરી વિરોધ નોંધાવીશ.