આભમાંથી અમીવર્ષા, શ્રદ્ધાનો સાગર જગન્નાથજીની નગરચર્યા

Friday 05th July 2019 06:41 EDT
 
 

અમદાવાદઃ અષાઢી બીજ પર્વે સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરેથી વાજતેગાજતે નગરચર્યાએ નીકળેલા જગતના નાથને શ્રદ્ધાળુઓએ હરખભેર વધાવતાં આસ્થા અને પ્રેમથી તરબોળ કરી નાખ્યા હતા. જય રણછોડ માખણચોર... ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે... જેવા જયઘોષ, મેઘરાજાની સતત અમીવર્ષા અને હિલોળા લેતા શ્રદ્ધાના ઘોડાપૂર વચ્ચે યોજાયેલી આ ૧૪૨મી રથયાત્રામાં રજવાડી શણગારથી સજ્જ ભગવાન જગન્નાથજીની સાથે બહેન સુભદ્રા અને ભાઇ બલરામ પણ જોડાયા હતા.
સતત ત્રીજી વાર મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ પહિંદ વિધિ કરીને ત્રણેય રથોનું પ્રસ્થાન કરાવ્યું હતું. તેમની સાથે રાજ્યના નાયબ મુખ્ય મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ પહિન્દ વિધિમાં જોડાયા હતા. રથયાત્રાના ૧૮ કિલોમીટરના માર્ગમાં ભક્તિના ઘોડાપુર ઉમટેલા જોવા મળતા હતા. આસ્થા, ઉલ્લાસ અને કોમી એખલાસના ત્રિવેણી સંગમ સાથે શાંતિપૂર્ણ રીતે રથયાત્રા સંપન્ન થઈ હતી.
અમદાવાદના દસકાઓ પુરાણા જગન્નાથ મંદિરેથી રથયાત્રા નીકળે તે પહેલાંથી જ ધીમી ધારે મેઘરાજાનું આગમન થતાં ભક્તો ખુશખુશાલ થઈ ગયા હતા. વહેલી સવારે ૪.૩૦ વાગ્યે મંદિરમાં ભગવાનને ખીચડી-કોળા-ગવારફળી સહિતનો વિશિષ્ટ ભોગ ધરાવાયો હતો. તો ભગવાન જગન્નાથને અતિ પ્રિય આદિવાસી નૃત્ય અને રાસગરબા પણ યોજાયા હતા. બાદમાં ભગવાનની આંખો પરથી પાટા ખોલવાની નેત્રોત્સવ વિધિ કરાઇ હતી.
રથયાત્રામાં વિવિધ ટ્રકોમાં અમદાવાદની હેરિટેજ તેમજ ભારતીય સંસ્કૃતિની વિરાસતના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું. દેશભક્તિ, પર્યાવરણજતન, ક્રિકેટ વર્લ્ડ કપ, વીંગ કમાન્ડર અભિનંદનની મૂછ સાથેની વેશભૂષા વગેરેએ આકર્ષણ જમાવ્યું હતું. ઠેર ઠેર મુસ્લિમ બિરાદરોએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. રથયાત્રાના પરંપરાગત માર્ગો ઉપર ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો. રથને ખેંચવામાં ૧૨૦૦થી વધુ ખલાસીઓ સામેલ હતા. આ ઉપરાંત રાજ્ય બહારથી આવેલા ૨૦૦૦થી વધુ સાધુ-સંતો પણ રથયાત્રામાં જોડાયા હતા.
દર વર્ષની જેમ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાંગણમાં ખાસ શમિયાણો ઊભો કરાયો હતો. જ્યાં જગદીશ મંદિરના મહંત દિલીપદાસજીનું મેયર અને અન્ય હોદ્દેદારો તથા વિરોધ પક્ષના નેતાએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું અને મંદિર તરફથી કેસરી ઉપરણાની ભેટ ધરી હતી.

મહંતે તમામ હાથીઓને અટકાવી દીધા

એક ઉચ્ચ પોલીસ અધિકારીના એલફેલ વર્તનથી નારાજ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે તમામ હાથીઓને ઊભા રાખી દેવા માટે મહાવતોને ફોન પર સુચના આપતા તંત્ર દોડતું થઇ ગયું હતું. આ પછી ઉચ્ચ પોલીસ અધિકારીઓ વચ્ચે પડયા હતા, પણ મહંતે કહ્યું કે, ‘રથયાત્રા આગળ નહીં વધે, આજે જોઈએ પોલીસની તાકાત વધુ છે કે, ભકતોની.’ આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કમિશનર સ્થળ પર પહોંચી ગયા હતા અને મહંતને મળીને એક અધિકારીની ભૂલની સજા ૨૪,૯૯૯ને ના આપો તેમ કહેતાં મામલો થાળે પડયો હતો અને એક કલાક બાદ રથયાત્રાએ પુનઃ પ્રસ્થાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રથયાત્રામાં ૨૫ હજાર જવાનોનો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો.

નીત-નવાં આકર્ષક સ્લોગન

રથયાત્રામાં આ વખતે વર્લ્ડ કપ, રાષ્ટ્રપ્રેમ સહિતના સ્લોગનો તથા પ્રતિકૃતિઓએ આકર્ષણ જન્માવ્યું હતું. વર્લ્ડ કપ તો ભારત જીતશે, શહીદ જવાનોને શ્રદ્વાજંલી, યુવકોની પીઠ પર બાર-બાર ફિર મોદી સરકાર, મોદી-શાહને અભિનંદન પાઠવતા લખાણો જોવા મળતા હતા. મેટ્રો રેલ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સ્ટેચ્યુ ઓફ યુનિટી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ઉપરાંત આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્વાજંલિ આપતી ઝાંખીઓ, વિંગ કમાન્ડર અભિનંદનની રાષ્ટ્રપ્રેમની પ્રતિકૃતિઓ જોવા મળી હતી.

ભગવાન કાયમ અમીદૃષ્ટિ રાખેઃ રુપાણી

મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યા બાદ એવી લાગણી વ્યક્ત કરી હતી કે ગુજરાત પર ભગવાનની કાયમ અમીદૃષ્ટિ રહે. તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી તરીકે પહિંદ વિધિ કરીને મેં ભગવાનનો રસ્તો સાફ કરીને યાત્રાની શરૂઆત કરાવી છે. રાતથી અમીછાંટણા પણ પડી રહ્યા છે. ભગવાનની કૃપા આપણા પર વરસી રહી છે. ભગવાન ગુજરાત માથે કાયમ અમીદૃષ્ટિ બનાવી રાખે અને ગુજરાતને વધારે સમૃદ્ધ બનાવે તેવી હું પ્રાર્થના કરું છું.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે ભગવાને વર્ષારૂપી હેત વરસાવીને આશીર્વાદ આપ્યા છે. તેમણે કહ્યું હતું કે મેં ભગવાનને જળયાત્રા વખતે પ્રાર્થના કરી હતી કે, ગુજરાતમાં સારો વરસાદ પડે. રથયાત્રાના શુભારંભે ભગવાને હેત વરસાવી આશીર્વાદ આપ્યા છે. આખું ચોમાસું સારો વરસાદ પડે તેવી પ્રાર્થના કરું છું. મેં ભગવાન પાસેથી દેશની પ્રગતિ, સમૃદ્ધિ અને સુરક્ષાની માગણી કરી છે.

નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી શુભેચ્છા પાઠવી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને રથયાત્રા નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે ‘રથયાત્રાના વિશિષ્ટ પર્વ નિમિત્તે દરેકને શુભેચ્છાઓ, આપણે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરીએ અને સારા સ્વાસ્થ્ય, સુખ-સમૃદ્ધિ માટે તેમના આશીર્વાદ માંગીએ. જય જગન્નાથ...’ ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદીએ દર વર્ષની જેમ આ વખતે પણ રથયાત્રા અગાઉ જગન્નાથ મંદિર માટે પ્રસાદ મોકલ્યો હતો. અગાઉ જ્યારે તેઓ મુખ્ય પ્રધાન હતા ત્યારે સતત ૧૨ વર્ષ સુધી પહિંદ વિધિ તેમણે કરી હતી.

આંકડાઓમાં ૧૪૨મી રથયાત્રા

• ૧૬ શણગારેલા ગજરાજો • ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો • ૩૦ વ્યાયામ અખાડા • ૧૮ ભજન મંડળી • ૩ બેન્ડવાજા ગ્રૂપ • ૨૦૦૦ સાધુ-સંતો • ૩૦ હજાર કિલો મગ • ૫૦૦ કિલો જાંબુ • ૩૦૦ કિલો કેરી • ૪૦૦ કિલો કાકડી-દાડમ • ૨ લાખ કેસરી ઉપરણા • ૨૫ હજારથી વધુ પોલીસ જવાન • થ્રી-લેયર મોનિટરીંગ. ૪૫ સ્થળે ૯૪ હાઇડેન્સિટી કેમેરા • ૧૦ બોમ્બ સ્કવોડ ટીમ, આઇટીબીપીની ૩ ટુકડી, ઘોડેશ્વાર પોલીસ, ચેતક કમાન્ડો સહિત અર્ધલશ્કરી દળો અને ૭ કંટ્રોલ રૂમો દ્વારા નજર • ૧૨૦૦થી વધુ ખલાસીઓએ રથ ખેંચ્યા. • સરસપુરની ૧૭ પોળોમાં ત્રણ કલાકમાં અંદાજે દોઢ લાખ શ્રદ્ધાળુએ મોસાળમાં પ્રસાદી લીધી હતી. અહીં ૧૭ પ્રકારના શાક સાથેની ગિરનારી ખિચડી બનાવાઇ હતી. • વહેલી સવારે મંદિરના દરવાજા પાસે જ ૧૫૦ જેટલા લોકોના મોબાઈલ ચોરાયાં હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter