આખી રાત હોટેલ, રેસ્ટોરાંથી ફૂડ ડિલિવરીની છૂટ

Monday 17th August 2020 16:20 EDT
 

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં રાતે ૧૦ઃ૦૦ વાગ્યા પછી હવે હોટલ - રેસ્ટોરાંમાંથી ફૂડ ડિલિવરી થઈ શકશે અને તેના માટે પોલીસ કે અન્ય કોઈ પણ સત્તાધિકારી અવરોધ સર્જી શકશે નહીં. રાજ્ય સરકારે આ જાહેરનામું બહાર પાડ્યું છે. ગુજરાત હોટેલ્સ - રેસ્ટોરાં એસોસિએશનની માગ બાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સંમતિથી આ નિર્ણય જાહેર કરાયો છે. આ નિર્ણયથી મોડી રાતે જમવાનું શોધતા પ્રોફેશનલ્સ અને સ્વાદના શોખીનોમાં આનંદ ફેલાયો છે.
ગૃહ વિભાગના ઉપસચિવ પંકજ દવેની સહીથી સોમવારે આ હુકમ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ જાહેરનામામાં એવું જણાવવામાં આવ્યું છે કે, ૧લી ઓગસ્ટથી રાત્રી કરફ્યૂ નથી. કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર નિયત પ્રવૃત્તિ ચાલુ રાખવા નિર્ણય લેવાયો છે. તે અનુસાર હોટલ અને રેસ્ટોરાં રાત્રીના ૧૦ કલાક સુધી ખુલ્લા રાખવાની જોગવાઈ છે. પુખ્ત વિચારણાને અંતે રાજ્યમાં હોટલ અને રેસ્ટોરાંને ટેક અવે (પાર્સલ સર્વિસ) પૂરી પાડવા માટે સમયની અવધિ દૂર કરવા સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી રાજ્યમાં હોટલ- રેસ્ટોરાં આખી રાત પોતાને ત્યાંથી ફૂડ ડિલિવરી કરી શકશે. જેનો અમલ હુકમ પ્રસિદ્ધ થતાંની સાથે જ ૧૭મી ઓગસ્ટ - સોમવારથી શરૂ કરાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter